અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા કરોડોના નકલી નોટ રેકેટના તાર હવે સુરતના કામરેજમાં આવેલા ધોરણ પારડીના આશ્રમ સાથે મજબૂતીથી જોડાયા છે. આ મામલે સામાજિક કાર્યકર મહેશ વાઘાણીએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, યોગગુરુના સ્વાંગમાં ફરેલા પ્રદીપ જોટાંગીયાએ આસ્થાના નામે મોટું કૌભાંડ આચર્યું છે.
સતીઓના નામે ગ્રુપ બનાવી ઉઘરાવ્યું ફંડ
મહેશ વાઘાણીના આક્ષેપ મુજબ, પ્રદીપે સુરતના યોગીચોક વિસ્તારની ભોળી મહિલાઓને શિકાર બનાવી હતી. તેણે અલગ-અલગ સતીઓના નામે મહિલાઓના ગ્રુપ બનાવ્યા હતા અને તેમની પાસેથી ધર્મના નામે મસમોટું ફંડ-ફાળો ઉઘરાવ્યો હતો. આ ઉઘરાવેલા પૈસાનો ઉપયોગ કરીને તેણે કામરેજના ધોરણ પારડીમાં આલીશાન આશ્રમ અને બંગલો ઉભો કર્યો હતો. આશ્રમની આડમાં તે પોતાનો કાળો કારોબાર ચલાવતો હતો.













