સુરતના આર્થિક વિકાસને નવી ઉંચાઇએ લઇ જવા માટે દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ મુદ્દે રાજ્ય સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે. સુરતની હજારો મિલકતો જે હાલમાં માત્ર કબજા રસીદના આધારે ચાલી રહી છે. તેને નિયમિત કરવા માટે ચેમ્બર દ્વારા શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઇને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

બેંકોની લોન અને વિર્કંગ કેપિટલમાં અવરોધનો આક્ષેપ

સુરતની અનેક નાની મોટી ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ મિલકતો પાસે પાકા દસ્તાવેજોને બદલે માત્ર કબજા રસીદ છે. SGCCIનો આક્ષેપ છે કે આવી મિલકતોના કારણે ઉદ્યોગકારોને બેંકિંગ ક્ષેત્રે ભારે મુશ્કેલીઓ પડી રહી છે. બેંકો કબજા રસીદવાળી મિલકતો પર લોન આપવા તૈયાર થતી નથી. જેના કારણે ઉદ્યોગપતિઓને પોતાની વર્કિંગ કેપિટલ મેળવવામાં અને બિઝનેસના વિસ્તરણમાં મોટો અવરોધ ઉભો થાય છે.

વિકાસની નવી દિશા

ચેમ્બરનું માનવું છે કે જો સરકાર આ મિલકતોમે નિયમિત કરવા માટેની કોઇ ખાસ જોગવાઇ કે નીતિ જાહેર કરે , તો સુરતની અર્થવ્યવસ્થામાં મોટું પરિવર્તન આવી શકે છે. મિલકતો નિયમિત થવાથી ઉદ્યોગકારો તેને ગીરો મૂકી સત્તાવાર લોન મેળવી શકશે. જે સીધી રીતે નવા રોકાણ અને રોજગારીમાં પરિણમશે.

મંત્રી સમક્ષ કરવામાં આવી રજૂઆત

મંત્રી સમક્ષ કરવામાં આવેલી આ રજૂઆતમાં સુરત ચેમ્બરે ભાર મૂક્યો છે કે, શહેરી વિકાસના નીતિ-નિયમોમાં સુધારો કરીને આ મિલકતોને કાયદેસરની માન્યતા આપવામાં આવે. આ પગલાથી માત્ર બેંકોનો ભરોસો જ નહીં વધે, પરંતુ પ્રોપર્ટી માર્કેટમાં પણ પારદર્શિતા આવશે.આ માગણી જો સંતોષાય તો સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલા અનેક નાના એકમોને સંજીવની મળી શકે તેમ છે.


  • Follow us on: