વડોદરા સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક એવા મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, જે ડિજિટલ યુગમાં સામાન્ય માણસની લાચારાનો ગેરફાયદો ઉઠાવતું હતું. આ સમગ્ર મામલાનો મુખ્ય સૂત્રધાર એજાઝ અહેમદ હોવાનું સામે આવ્યું છે. જેની પોલીસે ધરપકડ કરી છે.


ગામડાના ભોળા અને અભણ લોકો હતા ટાર્ગેટ

એજાઝનો ટાર્ગેટ શહેરના શિક્ષિત લોકો નહીં, પરંતુ ગામડાના ભોળા અને અભણ લોકો હતા. તે ગ્રામ્ય વિસ્તારોમાં જઇને લોકોને સરકારી સહાય, સબસિડી અથવા લોન અપાવવાના બહાને ભરમાવતો હતો. તેમની પાસેથી જરૂરી દસ્તાવેજો મેળવી તે બેંકમાં ખાતા ખોલાવતો હતો. ઘણીવાર આ લોકોની માસૂમિયતનો લાભ લઇ,તેમને નજીવી રકમની લાલચ આપી તેમના નામે એટીએમ કાર્ડ અને ચેકબુક મેળવી લેતો હતો.

મ્યુલ એકાઉન્ટનો ગંદો ખેલ

આ ખાતાઓને સાયબર જગતમાં મ્યુલ એકાઉન્ટ્સ કહેવામાં આવે છે. એજાઝ આ ખાતાઓનો ઉપયોગ દેશભરમાં થતા સાયબર ફ્રોડના નાણાં છુપાવવા માટે કરતો હતો. જ્યારે પણ કોઈ વ્યક્તિ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બને, ત્યારે તેના નાણાં સીધા આ નિર્દોષ ગ્રામીણોના ખાતામાં ટ્રાન્સફર થતા. ત્યાંથી એજાઝ આ નાણાં ઉપાડી લેતો અથવા અન્ય ક્રિપ્ટોકરન્સી કે વોલેટમાં ફેરવી દેતો.

બાતમીના આધારે એજાઝની કરી ધરપકડ

જ્યારે દેશના અલગ-અલગ ખૂણેથી સાયબર ઠગાઈની ફરિયાદો ઉઠી અને ટ્રેકિંગ કરવામાં આવ્યું, ત્યારે છેડા વડોદરા સુધી લંબાવાયા.વડોદરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી એજાઝ અહેમદને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી અનેક બેંક પાસબુક, એટીએમ કાર્ડ અને સિમ કાર્ડ મળી આવ્યા છે.

આ પણ વાંચોઃ Sanand: નળસરોવર વિસ્તારમાંથી વિદેશી પક્ષીઓ અને પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી, 3 આરોપીઓ ફરાર


  • Follow us on: