વડોદરા જિલ્લામાં મગરોની વસ્તી અને તેમના સંરક્ષણ માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ કરજણ તાલુકાના ચોરભુજ ગામે માનવ સંવેદનાને શરમાવે તેવી એક ઘટના બની છે. અહીં પર્યાવરણના સંતુલનમાં મહત્વનો ભાગ ભજવતા એક જળચર મગરને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રાત્રિના અંધકારમાં ખેલાયો લોહિયાળ ખેલ
ઘટનાની મળતી માહિતી અનુસાર, કોઈ અજાણ્યા શખ્સોએ રાત્રિના અંધકારનો લાભ લઈ મગર પર જીવલેણ હુમલો કર્યો હતો. મગરને મોતને ઘાટ ઉતાર્યા બાદ પુરાવાનો નાશ કરવાના ઈરાદે તેના મૃતદેહને ગામના તળાવમાં ફેંકી દેવામાં આવ્યો હતો. સવારે જ્યારે ગ્રામજનોને આ અંગે જાણ થઈ ત્યારે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
વન વિભાગ હરકતમાં, પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ
ઘટનાની જાણ થતા જ કરજણ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. વન વિભાગના અધિકારીઓએ તળાવમાંથી મગરના મૃતદેહને બહાર કાઢીને કબ્જે લીધો હતો. મગરના શરીર પર ઈજાના નિશાન હોવાથી તેને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મગરના મોતનું ચોક્કસ કારણ અને તેને કયા હથિયારથી મારવામાં આવ્યો છે તેની વિગતો સ્પષ્ટ થશે.
આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન
વન વિભાગે વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વન વિભાગ દ્વારા ગામના શંકાસ્પદ શખ્સોની પૂછપરછ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ એક ગંભીર ગુનો છે અને જે પણ શખ્સો આમાં સંડોવાયેલા હશે, તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જળચર પ્રાણીઓ પ્રત્યેની આવી નિર્દયતા પર્યાવરણ માટે ખતરા સમાન છે, ત્યારે સ્થાનિકો પણ આરોપીઓને સત્વરે પકડવાની માગ કરી રહ્યા છે.
આ પણ વાંચો - Vadodara News : વડોદરાના સાવલીમાં પોલીસ કસ્ટડીમાં હત્યાના આરોપીએ કર્યો આપઘાત, ઉત્તરપ્રદેશથી ઝડપાયો હતો આરોપી