વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ઈટવાડ ગામે એક અત્યંત કરૂણ દુર્ઘટના સામે આવી છે. ગામમાં એક પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી ખુશીનો માહોલ હતો, પરંતુ આ ખુશી પળવારમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી. લગ્નની પરંપરાગત વાનગી એવી 'વડીઓ' બનાવીને છાપરા પર સુકવવા ગયેલી 10 થી વધુ મહિલાઓ મકાનનું અડાળું (આગળનો ભાગ) તૂટી પડતા નીચે પટકાઈ હતી.


અચાનક અડાળું ધરાશાયી થયું

ઘટનાની મળતી વિગત અનુસાર, ઈટવાડ ગામે એક મકાનમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. રસોડાની તૈયારીઓના ભાગરૂપે મહિલાઓ વડીઓ બનાવી રહી હતી. આ વડીઓ સુકવવા માટે 10 જેટલી મહિલાઓ મકાનની આગળના ભાગમાં આવેલા છાપરા (અડાળા) પર ચઢી હતી. મહિલાઓનું વજન વધી જતાં અથવા તો સ્ટ્રક્ચર નબળું હોવાને કારણે અચાનક આખું અડાળું ધરાશાયી થયું હતું, જેને પગલે છાપરા પર રહેલી તમામ મહિલાઓ ધડાકાભેર નીચે પટકાઈ હતી.

ચીસાચીસથી ગામ ધ્રુજી ઉઠ્યું

છાપરું તૂટતા જ મહિલાઓની ચીસાચીસ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘણી મહિલાઓ કાટમાળ નીચે દબાઈ હતી તો અનેકને માથા અને હાથ-પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક ત્રણ જેટલી '108' એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.




ગંભીર રીતે ઘાયલોને વડોદરા SSG રિફર કરાયા

તમામ ઘાયલ મહિલાઓને તાત્કાલિક ડેસર સીએચસી (CHC) ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે, કેટલીક મહિલાઓની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે વડોદરાની એસએસજી (SSG) હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવી છે. લગ્ન પ્રસંગના ઘરે સર્જાયેલી આ દુર્ઘટનાને પગલે પરિવાર અને આખા ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.


આ પણ વાંચો - Vadodara News : વડોદરાના સાવલીમાં પોલીસ કસ્ટડીમાં હત્યાના આરોપીએ કર્યો આપઘાત, ઉત્તરપ્રદેશથી ઝડપાયો હતો આરોપી


  • Follow us on: