સુરત શહેરની સૌથી જૂની સહકારી ધોરણે ચાલતી ચોર્યાસી ડેરી કાચી પડી છે. કામદારોનો પગાર, પીએફ, હક રજા, બોનસ, સમયસર નહીં આપવામાં આવતા સુરતના પીએફ કમિશનર, કલેકટર, જિલ્લા રજિસ્ટ્રાર અને ડેરીના જનરલ મેનેજરને 110 કર્મચારીએ લેખિત ફરિયાદ કરી 3 મહિનાનો બાકી પગાર ચૂકવવા માંગણી કરી છે.
સૌથી જૂની સહકારી ધોરણે ચાલતી ચોર્યાસી ડેરી કાચી પડી
સુરત શહેરની સૌથી જૂની સહકારી ધોરણે ચાલતી ચોર્યાસી ડેરી કાચી પડી છે. ત્યારે કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી સંસ્થા દ્વારા સમયસર પગાર મળતો નથી. અમુક સમયે તો બે થી ત્રણ માસ જેટલો સમય વીતી જાય પછી પગાર કરવામાં આવે છે. હાલમાં પાછલા ત્રણ માસથી પગાર કરવામાં આવ્યો નથી. જેથી કર્મચારીઓ અત્યંત હાલાકી ભોગવી રહ્યા છે.
કર્મચારીઓને થાય તે કરી લેવાનું તેમ જણાવે છે
ચોર્યાસી ડેરીના સત્તાધીશોને વારંવાર પગાર સમયસર ચુકવી આપવા માટે તેમજ પી.એફ. ની રકમ સમયસર ભરવા માટે આજીજી કરી છે, પરંતુ અમોને કોઈ જવાબ આપતા નથી. અને વધારે કહીએ તો ફરિયાદ કરીએ તો કર્મચારીઓને થાય તે કરી લેવાનું તેમ જણાવે છે. વળી ડેરીના કોઈપણ કામદારને માર્ચ મહિનાથી આજ સુધી હક રજા અને બોનસ 8.3 લેખે ચુકવેલ નથી. જેની ખુબ જ ઝડપથી નોંધ લઈ, કાર્યવાહી થાય એવી માંગ કર્મચારીઓએ કરી છે.
કેટલાક કર્મચારીઓ મંડળીને બાનમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે
સમગ્ર મામલે ચોર્યાસી ડેરીના પ્રમુખ નરેશભાઈ પટેલે જણાવ્યુંકે, દેશ આઝાદ થયું તે પહેલા ની ડેરી છે. બીજા રાજ્યમાંથી દૂધ લાવવામાં આવે છે. 289 કર્મચારીઓ ડેરી સાથે જોડાયેલા હતા. જે હાલ 210 જેટલા કર્મચારીઓ કાર્યરત છે. દર મહિને 32 લાખ પગાર ચૂકવવામાં આવે છે. જ્યારે પાંચ લાખ પીએફમાં જમા કરાવવામાં આવે છે. કર્મચારીઓમાં કેટલાક કર્મચારીઓ મંડળીને બાનમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ મંડળી પાસે 8 હજાર લીટર દૂધની આવક છે. તે સબંધિત વિભાગોને આ મામલે રજૂઆત કરી રાહત આપવા માંગ કરી છે.
ડેરી તરફથી પગાર અટકાવવામાં આવ્યો નથી
હાલ ડીપાર્ટમેન્ટ પ્રમાણે પગાર કરવામાં આવી રહ્યો છે. જેમ જેમ પૈસા આવી રહ્યા છે,તેમ તેમ કર્મચારીઓ નો પગાર કરવામાં આવી રહ્યો છે. ડેરીનું ભારણ ઓછું કરવાનો પ્રયાસ છે. ડેરી પર હાલ કર્મચારીઓનું ભારણ છે. ડેરી તરફથી પગાર અટકાવવામાં આવ્યો નથી. સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આ સ્વતંત્ર સંસ્થા હોવાથી સરકાર તરફથી કોઈ રાહત આપવામાં આવી નથી. તે ઉપરાંત સંસ્થા માસિક 12 લાખની ખોટ કરે છે. પીએફ અને સંસ્થાની લોનના વ્યાજની રકમનું ભારણ જુદું છે. અમે જિલ્લા રજિસ્ટ્રાર અને પીએફ કમિશનર પાસે બિન કાર્યક્ષમ 100 કર્મચારી છૂટા કરવા સ્કીમ માંગી છે. જે યોગ્ય નથી.
આ પણ વાંચો--- Gujarat Flashback 2025 : આ વર્ષે ગુજરાત રહ્યું હતું અગ્રેસર, સ્વચ્છતામાં અમદાવાદને મળ્યો હતો સૌથી સ્વચ્છ મોટા શહેરનો એવોર્ડ તો સુરત અને ગાંધીનગર પણ