સુરત શહેરમાં ફરી એકવાર સોશિયલ મીડિયા પર પબ્લિસિટી મેળવવા માટે યુવાનોએ જાહેર રસ્તા પર સીન સપાટા કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અડાજણ વિસ્તારમાં એક કારની પાછળ અંદાજે 40 જેટલી બાઈકોના કાફલા સાથે આ રેલી કાઢવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, રેલીમાં સામેલ તમામ બાઈક સવારો હેલ્મેટ વગર જોવા મળ્યા હતા અને ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું. માત્ર સોશિયલ મીડિયામાં શેખી મારવા અને પોતાની હાક જમાવવા માટે આ યુવાનોએ મંજૂરી વિના જ જાહેર માર્ગો પર રેલી કાઢીને સામાન્ય નાગરિકો માટે પણ જોખમ ઊભું કર્યું હતું.
પોલીસે તપાસ હાથ ધરી
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ સુરત પોલીસ સક્રિય થઈ છે. અડાજણ પોલીસે વાયરલ વીડિયોના આધારે વાહનોના નંબર શોધીને તે દિશામાં તપાસ શરૂ કરી છે. પ્રાથમિક રીતે આ રેલી માટે કોઈ પણ પ્રકારની વહીવટી મંજૂરી લેવામાં આવી ન હોવાની શક્યતા છે. પોલીસ હવે સીસીટીવી ફૂટેજ અને વાયરલ વીડિયોની મદદથી આ બાઈક સવારોની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે, જેથી ભવિષ્યમાં કોઈ આ પ્રકારે કાયદાની મર્યાદા ન ઓળંગે.
