આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનરની સૂચના મુજબ SOGએ અસામાજિક તત્વો વિરુદ્ધ ઝુંબેશ તેજ કરી છે. આ અંતર્ગત SOGની ટીમે કુખ્યાત 'સુર્યા મરાઠી ગેંગ'ના સાગરીત દીપક ઉર્ફે દીપક કુટેકરને એક લોડેડ પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે.

બદલો લેવા ખરીદ્યું હતું હથિયાર

પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, વર્ષ 2024માં હિતેશ સોલંકી નામના વ્યક્તિ સાથે થયેલા ઝઘડામાં આરોપી પર ફાયરિંગ થયું હતું. આ હુમલાનો બદલો લેવા માટે દીપકે એક વર્ષ પહેલા ઉત્તર પ્રદેશના મુન્ના દૂધ નામના વ્યક્તિ પાસેથી ₹35,000 માં પિસ્તોલ ખરીદી હતી. આરોપી કોઈ મોટી વારદાતને અંજામ આપે તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો છે.

આરોપીનો ગુનાહિત ઈતિહાસ

ઝડપાયેલો આરોપી દીપક કુટેકર રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ અત્યાર સુધીમાં 21 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસ અગાઉ તેની વિરુદ્ધ બે વખત પાસા (PASA) હેઠળ કાર્યવાહી કરી ચૂકી છે અને એક વખત તેને તડીપાર પણ કરવામાં આવ્યો હતો. છતાં તેની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રહેતા હવે પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad: ચાંદખેડા બાળકી મોત કેસ, પુત્ર પ્રાપ્તિની ઝંખનાએ બે માસૂમોનો ભોગ લીધો? ડાયરી અને બ્લડ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો