સુરત શહેરના ઉધના વિસ્તારમાં જાણે ગુનેગારોને પોલીસનો ડર રહ્યો ન હોય તેમ હિંસક હુમલાની ઘટના સામે આવી છે. કાશીનગર વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચકતા કેટલાક અસામાજિક તત્વોએ બે યુવકો પર તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ઉધનાના કાશીનગરમાં મારામારી
મળતી માહિતી મુજબ, ઉધનાના કાશીનગર ખાતે સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે, આ તકરાર ઉગ્ર બનતા અચાનક કેટલાક લુખ્ખા તત્વો હથિયારો સાથે ધસી આવ્યા હતા. આ ટોળકીએ ત્યાં હાજર બે યુવકો પર તલવાર અને અન્ય તીક્ષ્ણ હથિયારોથી આડેધડ હુમલો કરવાનું શરૂ કર્યું હતું. આ જીવલેણ હુમલામાં બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
CCTVમાં કેદ થયો લુખ્ખાઓનો આતંક
આ સમગ્ર હુમલાની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે હુમલાખોરો કેવી રીતે બેખૌફ બનીને તલવારો લહેરાવી રહ્યા છે અને યુવકો પર હુમલો કરી રહ્યા છે. આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
પોલીસ કાર્યવાહી અને સ્થાનિકોનો રોષ
ઘટનાની જાણ થતા જ ઉધના પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે CCTV ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી કંટાળીને સ્થાનિક રહીશોએ આરોપીઓ સામે કડક પગલાં લેવાની અને વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.
આ પણ વાંચો: Botad: રાણપુરમાં જમીન કૌભાંડનો પર્દાફાશ, મૃતક વ્યક્તિના નામે ખોટી ઓળખ આપી જમીન વેચી મારી