સુરતની નવી સિવિલ હોસ્પિટલ પાછળના ભાગે આવેલી પાણીની ટાંકી હાલમાં ગમે ત્યારે જમીનદોસ્ત થાય તેવી ભયાનક સ્થિતિમાં ઉભી છે. રાજ્યમાં અગાઉ તડકેશ્વર અને વલસાડમાં પાણીની ટાંકી તૂટી પડવાની ગંભીર દુર્ઘટનાઓ બની હોવા છતાં, સુરતનું તંત્ર હજુ પણ કોઈ મોટી જાનહાનિની રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે.
સંદેશ ન્યૂઝનું રિયાલિટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો
સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે આ ટાંકીનું રિયાલિટી ચેક કરવા પહોંચી ત્યારે ત્યાંના દ્રશ્યો અત્યંત ચિંતાજનક જોવા મળ્યા હતા. લાંબા સમયથી બંધ હાલતમાં રહેલી આ ટાંકી સંપૂર્ણપણે જર્જરિત થઈ ગઈ છે. ટાંકીના સ્લેબના પોપડા ઉખડી ગયા છે અને અંદરના કાટ ખાધેલા લોખંડના સળિયા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ટાંકીને ટેકો આપતા પીલરો ફાટી ગયા છે અને ગમે ત્યારે ભાર સહન કરવાની શક્તિ ગુમાવી શકે છે.ઉપર જવા માટેના દાદરના સ્લેબ પણ તૂટી પડ્યા છે, જે ટાંકીની નબળી સ્થિતિની સાક્ષી પૂરે છે.
