સુરતના વર્ષ 2019ના તક્ષશિલા અગ્નિકાંડની ગોઝારી ઘટનાને લઈને હવે કાયદાકીય લડાઈ સુપ્રીમ કોર્ટ (SC) સુધી પહોંચી છે. આ કરુણ દુર્ઘટનામાં 22 માસૂમ બાળકોના મોત થયા હતા. આ અગ્નિકાંડમાં પોતાની દીકરી ગુમાવનાર દિનેશ કેડવીયા નામના પિતાએ સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી (PIL) દાખલ કરી છે. આ અરજીમાં તેમણે રાષ્ટ્રીય સ્તરે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
તક્ષશિલા અગ્નિકાંડનો કેસ હવે સુપ્રીમ કોર્ટમાં
PILમાં મુખ્યત્વે એ મુદ્દાઓ પર ધ્યાન દોરવામાં આવ્યું છે કે, આવી દુર્ઘટનાઓમાં જવાબદારી કેવી રીતે નક્કી કરવી? પીડિતોને વળતર કેવી રીતે મળશે? અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પગલાં કોણ લેશે? સુપ્રીમ કોર્ટે આ PILને ગંભીરતાથી લઈને દેશની તમામ રાજ્ય સરકારોને આ મુદ્દાઓ પર જવાબ રજૂ કરવા માટે નિર્દેશ આપ્યો છે. આ કેસ હવે સમગ્ર દેશમાં સલામતીના ધોરણો અને સરકારી જવાબદારી નક્કી કરવા માટે એક માર્ગદર્શક બની શકે છે.
