ટેક્સટાઇલ સિટી સુરતના વેપારીઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને હિન્દુ સંસ્કૃતિના અપમાન સામે લાલઆંખ કરી છે. સુરતના કાપડ ઉદ્યોગની અગ્રણી સંસ્થા FOSTA (ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન) દ્વારા બાંગ્લાદેશ સાથેના તમામ વ્યાપારી સંબંધો તોડી નાખવાનું અને સંપૂર્ણ બહિષ્કાર કરવાનું એલાન કરવામાં આવ્યું છે.


વેપારીઓનો મક્કમ નિર્ણય 100 કરોડ અટવાયા છતાં પીછેહઠ નહીં

સુરતમાંથી બાંગ્લાદેશ સાથે દર વર્ષે અંદાજે ₹1000 કરોડથી વધુનો વેપાર થાય છે. હાલની સ્થિતિમાં સુરતના વેપારીઓના અંદાજે ₹100 કરોડથી વધુનું પેમેન્ટ બાંગ્લાદેશમાં અટવાયેલું છે. આમ છતાં, વેપારીઓએ આર્થિક નુકસાનની પરવા કર્યા વગર 'દેશ અને ધર્મ'ને પ્રાધાન્ય આપીને નવા ઓર્ડર લેવાનું બંધ કર્યું છે અને જૂના સપ્લાય પણ અટકાવી દીધા છે.

સુરતના કાપડ વેપારીઓએ બાંગ્લાદેશ સાથે વેપાર બંધ કર્યો

સુરતની 240 ટેક્સટાઇલ માર્કેટ અને 17,000થી વધુ વેપારીઓ આ અભિયાનમાં જોડાયા છે.  FOSTA દ્વારા તમામ વેપારીઓને નવા ઓર્ડર ન લેવા અને બાંગ્લાદેશ તરફ જતો માલ અટકાવી દેવા કડક સૂચના અપાઈ છે. સુરતના આ નિર્ણયથી બાંગ્લાદેશના ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટરને કાચા માલ (ફેબ્રિક્સ)ની મોટી તંગી સર્જાવાની શક્યતા છે.

'પહેલાં દેશ અને ધર્મ, પછી વેપાર'

વેપારીઓએ એકસૂરે જણાવ્યું છે કે જ્યાં સુધી બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નહીં આવે અને સંસ્કૃતિનું અપમાન બંધ નહીં થાય, ત્યાં સુધી આ બહિષ્કાર ચાલુ રહેશે. વેપારીઓનો આ આક્રોશ દર્શાવે છે કે સામાજિક ગરિમા અને રાષ્ટ્રહિત સામે કરોડોનો વેપાર ગૌણ છે.

આ પણ વાંચો: AMCમાં મુખ્ય સિટી ઇજનેરનું સ્વેચ્છિક રાજીનામું, હોસ્પિટલોમાં નવા HODની નિમણૂક

  • Follow us on: