શહેરના લસકાણા વિસ્તારમાં પાડોશીના સતત ત્રાસ અને પોલીસની કથિત નિષ્ક્રિયતાથી કંટાળીને એક મહિલાએ ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. આ ચોંકાવનારી ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મહિલાએ પોતે ફીનાઈલ પીતા પહેલાનો એક દર્દનાક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો.
લસકાણામાં મહિલાનો આત્મહત્યાનો પ્રયાસ
મળતી માહિતી મુજબ, લસકાણામાં રહેતી આ મહિલા લાંબા સમયથી પાડોશમાં રહેતી અલ્પા ટાંક અને તેના ભાઈ નિલેશ પરમાર દ્વારા આપવામાં આવતા ત્રાસથી પરેશાન હતી. મહિલાનો આક્ષેપ છે કે આ લોકો તેને સતત હેરાન કરી રહ્યા હતા અને માનસિક ત્રાસ આપી રહ્યા હતા. આ ત્રાસ સહન ન થતા આખરે મહિલાએ અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું હતું.
વીડિયોમાં પોલીસ સામે સવાલો
મહિલાએ સોશિયલ મીડિયા પર મૂકેલા વીડિયોમાં માત્ર પાડોશીઓ જ નહીં, પરંતુ લસકાણા પોલીસની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. મહિલાએ આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા તેને ન્યાય આપવાને બદલે હેરાન કરવામાં આવતી હતી અથવા તેની રજૂઆતો સાંભળવામાં આવતી ન હતી. આ વીડિયોમાં મહિલા પોતાની આપવીતી જણાવતા રડી પડી હતી અને ત્યારબાદ ફીનાઈલ પી લીધું હતું.
હાલની પરિસ્થિતિ
ઘટનાની જાણ થતા જ મહિલાને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા જ સુરત પોલીસ હરકતમાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને મહિલાના આક્ષેપોમાં કેટલી સત્યતા છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Surat: રેલવે સ્ટેશન પર આવતીકાલથી 30 દિવસનો 'મેગા બ્લોક', ટ્રેનોના શિડ્યુલમાં મોટો ફેરફાર