સુરત શહેરમાં વધી રહેલાં ઉનાળાના પ્રકોપ અને અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટુવ્હીલર ચાલકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.આજથી શહેરના મુખ્ય માર્ગો પર બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે.જેથી હવેથી વાહનચાલકોને ધોમધખતા તડકામાં ઊભા રહેવું નહિ પડશે.સુરત શહેરમાં છેલ્લાં ઉનાળાની સિઝન બરાબર માઝા મુકી રહી છે.

સિગ્નલો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે

સુરત શહેરમાં છેલ્લાં ચારેક દિવસથી આભમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી વરવી સ્થિતિનું નિર્માણ થયું છે.આવી વિકટ પરિસ્થિતિમાં ટ્રાફિક સિગ્નલો પર લાંબો સમય ઉભા રહેવા મજબૂર થતા ટુ-વ્હીલર વાહનચાલકોની હાલત અત્યંત કફોડી થઇ ગઈ હતી.જે બાબતને ધ્યાને લઈ શહેર પોલીસ કમિશ્નરે મહત્વનો નિર્ણય લીધો છે.આજથી બપોરે 1થી સાંજે 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલો સંપૂર્ણપણે બંધ રહેશે. ટુ વ્હીલર ચાલકોને હિટવેવ લૂથી બચાવવા સિગ્નલો બ્લિકિંગ મોડ પર રખાશે.બપોરે જ્યાં ટ્રાફિકની અવરજવર ઓછી હોય તેવા સિગ્નલો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.

ચાર રસ્તાઓ પર આર્ટિફિશિયલ શેડ ઉભા કરવામાં આવ્યા

વાહનચાલકોને અસહ્ય ગરમીમાં સિગ્નલ પર ઊભા રહેવામાંથી મુક્તિ અપાવવા આ નિર્ણય લેવાયો છે.જોકે, સિગ્નલો બંધ હોવા છતાં ટ્રાફિકની શિસ્ત જળવાય અને અકસ્માતની કોઈ ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.દરેક પોઈન્ટ પર ટ્રાફિક જવાનો અને ટ્રાફિક બ્રિગેડના સભ્યો હાજર રહી ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરશે.માત્ર સિગ્નલ બંધ રાખવા જ નહીં, પરંતુ વાહનચાલકોને સીધા તડકાથી બચાવવા માટે જ્યાં ભૌગોલિક રીતે શક્ય હોય તેવા મુખ્ય ચાર રસ્તાઓ પર આર્ટિફિશિયલ શેડ ઉભા કરવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા ફોર-વ્હીલર ચાલકો અપીલ પણ કરાઈ છે કે, તેઓ ટુ-વ્હીલર ચાલકોને આ શેડ નીચે ઊભા રહેવા માટે પ્રાથમિકતા આપે.

આ પણ વાંચોઃ Ahmedabad News: વાસણા બેરેજના 18 દરવાજાના રિપેરિંગ માટે આજે સાબરમતી નદી ખાલી થશે, 9 કરોડનો ખર્ચ કરાશે