ઓઈલના ધંધામાં ડખો થતાં ભાગીદારને ફસાવવા તેની કારમાં એમ.ડી.ડ્રગ્સ મૂકનાર ચિરાગ ગોટીને ડ્રગ્સ અપાવવાના કારસામાં સામેલ બે ડ્રગ પેડલરની પોલીસે ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.ગત 18મી માર્ચે અલ્પેશ મિયાણીની કારમાંથી સિંગણપોર પોલીસે એમ.ડી.ડ્રગ્સ પકડયું ત્યારથી આ પ્રકરણ ચર્ચાસ્પદ રહ્યું છે.અલ્પેશ મિયાણીએ ઓઈલની ભાગીદારી છૂટી કરતાં તેને ફસાવવા માટે તેના જ ભાગીદાર ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટીએ કારમાં ડ્રગ્સ ઇમ્પ્લાન્ટ કરી સિંગણપોર પોલીસને બાતમી આપી તેને ફસાવી દીધો હતો.

ઓઇલના ધંધાની હરિફાઈમાં વેપારીને ફસાવ્યો હતો

જોકે અલ્પેશ મક્કમ રહ્યો હતો અને પોતાને ગોટી બંધુઓએ જ ફસાવ્યાની વાત પર અડગ રહેતાં તપાસ એસ.ઓ.જી.ને સોંપાઈ હતી.પરંતુ એસ.ઓ.જી.નો ગજ નહિ વાગતાં તપાસ ટ્રાન્સફર કરી એ.સી.પી.એચ ડિવિઝન ઝવેરભાઈ દેસાઈને સોંપવામાં આવી હતી.એ.સી.પી. દેસાઈએ નિરાંત ગોટીની ધરપકડ ઉપરાંત મુખ્ય ડ્રગ ડીલર મો.હમઝા ઉર્ફે રિઝવાન બાદશાહ સહિત ત્રણની ધરપકડ કરી ડ્રગ્સ ક્યાંથી ખરીદાયું અને કોણે પ્લાન્ટ કર્યું તેની સમગ્ર કડી મેળવી લીધી હતી.

કોર્ટે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

મુખ્ય સૂત્રધાર ચિરાગ ગોટી પણ કોર્ટના આદેશ બાદ નેપાળથી પરત સુરત આવી શરણે આવ્યો હતો.ચિરાગની કબૂલાતમાં તેણે સમીર હિંમત બલર મારફત સરફરાઝ ઉર્ફે સફી અમદાવાદી મોહમંદ પટેલનો સંપર્ક કર્યો હતો.સફીએ હમઝા ઉર્ફે રિઝવાન પાસેથી ત્રણ વખત ડ્રગ્સ મંગાવ્યું હતું,પરંતુ સમીરે માત્ર બે વખત અનુક્રમે 35 અને 45 ગ્રામ ડ્રગ્સ લાવી આપ્યું હતું.બંને પૈકી સરફરાઝ લાલગેટના ડ્રગ્સના ગુનામાં લાજપોર જેલમાં અને સમીર બલર મુંબઈ, કાલાચોકી પોલીસ મથકના ગુનામાં મુંબઈની જેલમાં હોઈ બંનેનો ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી ધરપકડ કરી એક દિવસનાં રિમાન્ડ મેળવાયા હતા.

આ પણ વાંચોઃ Ahmedabad News: AMCએ સાઉથ વેસ્ટ ઝોનમાં કોમર્શિયલ એકમોને પોતાના પ્લોટ પાર્કિંગ માટે ભાડે આપ્યા