સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ફરી એકવાર વિવાદોમાં અને સ્થાનિકો માટે જોખમી સાબિત થઈ રહી છે. શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા કબૂતર સર્કલ પાસે મેટ્રો પ્રોજેક્ટની ગંભીર લાપરવાહીને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક મહિલા અને એક વાહનચાલક અચાનક 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

મેટ્રોના 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યા બે લોકો

મળતી માહિતી મુજબ, મેટ્રો સાઈટ પર યોગ્ય બેરિકેડિંગ કે સુરક્ષાના સાધનોના અભાવે રાહદારી અને વાહનચાલક અંધારામાં અથવા અચાનક બેલેન્સ ગુમાવવાને કારણે સીધા 20 ફૂટ ઊંડા ખાડામાં જઈ પડ્યા હતા. આ જોતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ખાડો અત્યંત ઊંડો હોવાને કારણે સામાન્ય રીતે લોકોને બહાર કાઢવા અશક્ય જણાતા હતા.

ક્રેન વડે કરાયું રેસ્ક્યુ

ઘટના સ્થળે હાજર લોકોએ તુરંત મેટ્રોના અધિકારીઓને જાણ કરી હતી. ખાડામાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે અંતે મેટ્રો સાઈટ પર હાજર ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ક્રેનની મદદથી મહિલા અને પુરુષ બંનેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ બંને લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

આ પણ વાંચો: Gandhinagar: સેક્ટર 30 સર્કલ પાસે કાર અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માત, બે ઈજાગ્રસ્તો સારવાર હેઠળ