કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેઓ સુરતથી પોતાના કાફલા સાથે નીકળીને પલસાણા ચાર રસ્તા ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં ધારાસભ્યો અને પક્ષના આગેવાનો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.


નીતિન ગડકરી દક્ષિણ ગુજરાતની મુલાકાતે

આ મુલાકાત દરમિયાન સ્થાનિક ધારાસભ્ય અને આગેવાનો દ્વારા કેન્દ્રીય મંત્રીને પલસાણા અંડરપાસ (Underpass) બનાવવાની મહત્વની રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાનમાં લઈને મંત્રી નીતિન ગડકરીએ ટૂંક સમયમાં અંડરપાસ બનાવી આપવાની ખાતરી આપી હતી, જેનાથી સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. પલસાણા ખાતે કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મંત્રી નીતિન ગડકરી વલસાડના ડુંગરી રોલા તરફ જવા રવાના થયા હતા. ડુંગરી રોલાથી તેઓ હેલિકોપ્ટર મારફતે મહારાષ્ટ્રના તલાસરી પહોંચશે. તલાસરી ખાતે તેઓ અંડર ટનલનું નિરીક્ષણ કરવાના છે.

પલસાણા અંડરપાસ બનાવવા કેન્દ્રીય મંત્રીને રજૂઆત

ત્યારબાદ તેઓ ફરી હેલિકોપ્ટર દ્વારા બારડોલીના નોગામા પારડી આવી પહોંચશે. ત્યાંથી તેઓ એક્સપ્રેસ હાઈવેનું 46 કિલોમીટરનું બાય રોડ નિરીક્ષણ કરવાના છે, જે દક્ષિણ ગુજરાતના માર્ગોના વિકાસ માટે તેમની ગંભીરતા દર્શાવે છે. કેન્દ્રીય મંત્રીની આ મુલાકાત દક્ષિણ ગુજરાતના માળખાગત વિકાસ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.


આ પણ વાંચો: ગ્રામ પંચાયતોના ઓડિટને લઈને પંચાયત વિભાગનો મોટો આદેશ, દસ્તાવેજો રજૂ નહીં કરનાર કર્મચારીઓ સામે થશે કાર્યવાહી

  • Follow us on: