વિદેશ જવાના સપના જોતા લોકોને લલચાવીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી ટોળકીઓ સક્રિય છે, ત્યારે સુરતની ઉત્રાણ પોલીસે એક મોટા વિઝા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ન્યુઝીલેન્ડમાં વર્ક પરમિટ અપાવવાના બહાને એક વ્યક્તિ પાસેથી રૂપિયા 42 લાખની છેતરપિંડી આચરનાર આરોપી રાધિક ધામેલીયાને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.
સુરતમાં વિઝા કૌભાંડનો પર્દાફાશ
આરોપી રાધિક ધામેલીયાએ ભોગ બનનારને ન્યુઝીલેન્ડમાં આકર્ષક પગારવાળી નોકરી અને વર્ક પરમિટ વિઝા અપાવવાની લાલચ આપી હતી. આ કામ પેટે તેણે ટુકડે-ટુકડે કુલ 42 લાખ રૂપિયા પડાવી લીધા હતા. લાંબો સમય વીતવા છતાં વિઝા ન મળતા અને રૂપિયા પરત ન આવતા ભોગ બનનારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.
