રંગબેરંગી પતંગો અને આકાશમાં 'કાપો છે' ના નાદ સાથે મનાવવામાં આવતા ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. સુરતીઓમાં આ તહેવારને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે શહેરના મુખ્ય પતંગ બજારોમાં અત્યારથી જ ભારે ભીડ ઉમટી પડી છે. ખાસ કરીને સુરતના પ્રખ્યાત ડબગરવાડ પતંગ બજારમાં ખરીદી માટે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. જોકે, આ ભીડનો ગેરલાભ લેવા માટે ગુનેગારો પણ સક્રિય થયા હોવાની આશંકા વચ્ચે પોલીસ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે.


ભીડનો લાભ લેતી ચોર ટોળકીઓથી સાવધાન

બજારમાં વધતી જતી ભીડને જોતા લાલગેટ પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ઘણીવાર આવી ભીડમાં મોબાઈલ અને પાકીટ ચોરી કરતી ટોળકીઓ સક્રિય થઈ જતી હોય છે. પોલીસ દ્વારા લાઉડસ્પીકર અને પેટ્રોલિંગ દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે કે પોતાના કિંમતી સામાનનું ખાસ ધ્યાન રાખવું.ભીડભાડ વાળી જગ્યાએ બેગ કે પાકીટને સુરક્ષિત રીતે પકડવું.કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવો.

ચાઇનીઝ દોરી પર કડક પ્રતિબંધ

ઉત્તરાયણના પર્વે પક્ષીઓ અને માનવીઓ માટે જીવલેણ સાબિત થતી ચાઇનીઝ દોરી સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરત પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો કોઈ પણ વેપારી પ્રતિબંધિત દોરીનું વેચાણ કરતા પકડાશે, તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની ટીમ બજારોમાં સતત ચેકિંગ કરી રહી છે જેથી અકસ્માતો નિવારી શકાય.

બાળકોની સુરક્ષા અંગે એલર્ટ

તહેવારની દોડધામમાં વાલીઓને ખાસ સૂચના આપવામાં આવી છે કે બાળકોને ભીડમાં એકલા ન છોડવા. ભૂતકાળમાં આવી ભીડમાં બાળકો ગુમ થવાના કિસ્સાઓ બન્યા છે, જેના કારણે પોલીસે વાલીઓને વધુ સતર્ક રહેવા જણાવ્યું છે.

આ પણ વાંચો:અંબાલાલ પટેલની આગાહી, જાણો ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેશે

  • Follow us on: