સુરતના ભીમરાડ વિસ્તારમાં બિલ્ડરની ગંભીર બેદરકારીના કારણે સેંકડો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. શિવ રેસિડેન્સીમાં બિલ્ડરની લાપરવાહીને કારણે એક સંરક્ષણ દીવાલ ધરાશાયી થતા સમગ્ર બિલ્ડિંગના સ્ટ્રક્ચર પર જોખમ ઊભું થયું છે. આ ઘટનાને પગલે સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા શિવ રેસિડેન્સીના બે ટાવરો રાતોરાત ખાલી કરાવાયા હતા. પોતાની જીવનભરની મૂડી રોકીને ઘર ખરીદનારા રહીશોએ બિલ્ડર વિરુદ્ધ ઉગ્ર આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, બિલ્ડરની નબળી કામગીરી અને સુરક્ષાના નિયમોના ઉલ્લંઘનને કારણે આજે તેઓએ રસ્તા પર આવવાનો વારો આવ્યો છે.
બિલ્ડરની ભૂલ અને રહીશોને સજા
આ દુર્ઘટના બાદ લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે રહેવાસીઓને કોઈ પણ પૂર્વ તૈયારી વગર ઘર છોડવાની ફરજ પડી હતી. રહીશોનો આરોપ છે કે બિલ્ડર દ્વારા બાંધકામ દરમિયાન જરૂરી સાવચેતી રાખવામાં આવી ન હતી, જેના પરિણામે આ દીવાલ ધરાશાયી થઈ અને હવે આખું બિલ્ડિંગ જોખમી બન્યું છે. હાલમાં બેઘર બનેલા પરિવારો ન્યાયની માંગ કરી રહ્યા છે અને બિલ્ડર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે. આ ઘટનાએ સુરતમાં બિલ્ડરો દ્વારા કરવામાં આવતા નબળા બાંધકામ અને સેફ્ટીના અભાવ પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.













