વડોદરામાં આજે વહેલી સવારે કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈ-મેઈલના પગલે તાત્કાલિક અસરથી બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને કચેરીના ખૂણે ખૂણે તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે DCP મંજિતા વણઝારાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, મેઈલ મળતાની સાથે જ સુરક્ષાના તમામ પ્રોટોકોલ સાથે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જોકે અત્યાર સુધીની તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી.
DCP એ આપી વિગત
ઉલ્લેખનીય છે કે, વડોદરા કલેક્ટર કચેરીને અગાઉ પણ આ પ્રકારે ધમકીભર્યા મેઈલ મળી ચૂક્યા છે, જેને પગલે પોલીસ હવે આ મેઈલના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે. DCP મંજિતા વણઝારાએ વધુમાં ઉમેર્યું હતું કે, આ મેઈલના કનેક્શન અમદાવાદમાં અગાઉ મળેલા ધમકીભર્યા મેઈલ સાથે હોઈ શકે છે, જે દિશામાં હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. વહેલી સવારે મળેલી આ ધમકીના કારણે કચેરીના સ્ટાફ અને મુલાકાતીઓમાં થોડો સમય ફફડાટ જોવા મળ્યો હતો, પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સતત ચેકિંગના કારણે સ્થિતિ કાબૂમાં લેવામાં આવી છે.













