સુરત જિલ્લાના કામરેજ પંથકમાં આત્મહત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કામરેજ પાસે તાપી નદી પર આવેલા આંબોલી બ્રિજ પરથી એક અજાણ્યા યુવકે નદીના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. નેશનલ હાઈવે 48 પર બનેલી આ ઘટનાને પગલે વાહનચાલકો અને સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
ઘટનાની વિગતો
ઘટનાની મળતી માહિતી અનુસાર, એક અજાણ્યો યુવક કામરેજના નેશનલ હાઈવે 48 પરથી પસાર થતી તાપી નદીના બ્રિજ પર પહોંચ્યો હતો. ત્યાં પોતાના ચંપલ કાઢીને તેણે અચાનક જ નદીમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. બ્રિજ પર યુવકના ચંપલ મળી આવતા પ્રાથમિક દ્રષ્ટિએ આ આત્મહત્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ જાણી શકાયું નથી.













