સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી બસ સ્ટેન્ડમાં એસ.ટી. ડ્રાઈવરની ગંભીર બેદરકારીને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. બસ સ્ટેન્ડની અંદર જ મુસાફર પર બસ ચડાવી દેવાની ઘટનાને પગલે હવે એસ.ટી. બસ સ્ટેન્ડમાં પણ મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
સુરેન્દ્રનગરના ST બસ ડ્રાઇવરની ગંભીર બેદરકારી
મળતી માહિતી મુજબ અમદાવાદ-ભુજ રૂટની એસ.ટી. બસ લીંબડી બસ સ્ટેન્ડમાં હોલ્ટ માટે ઉભી રહી હતી. બસ જ્યારે ઉપડવાની તૈયારીમાં હતી, ત્યારે એક મુસાફર બસમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન બસના ડ્રાઈવરે આજુબાજુ જોયા વગર કે મુસાફરની સુરક્ષાનો વિચાર કર્યા વગર અચાનક બસ હંકારી મૂકી હતી. ડ્રાઈવરની આ અવિચારી હિલચાલને કારણે મુસાફર નીચે પટકાયો હતો અને બસનું તોતિંગ ટાયર સીધું તેના પગ પર ફરી વળ્યું હતું.
મુસાફરની હાલત ગંભીર
બસનું ટાયર ફરી વળતા મુસાફરના પગનો કુચો બોલાઈ ગયો હતો. લોહીલુહાણ હાલતમાં મુસાફરની ચીંચિયારીઓથી આખું બસ સ્ટેન્ડ ગુંજી ઉઠ્યું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્ત પેસેન્જરને સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
ડ્રાઈવર સામે લોકોમાં રોષ
બસ સ્ટેન્ડ જેવી જગ્યાએ, જ્યાં મુસાફરોની સતત અવરજવર હોય છે, ત્યાં ડ્રાઈવર દ્વારા આટલી હદે બેદરકારી દાખવવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુસાફરોએ આક્ષેપ કર્યો છે કે એસ.ટી.ના કેટલાક ડ્રાઈવરો ગમે તેમ બસો હંકારી રહ્યા છે, જેના કારણે નિર્દોષ લોકોએ ભોગ બનવું પડે છે.
આ પણ વાંચો: Vadodara: હાલોલ રોડ પર ચાલતા ટેન્કરમાં ભીષણ આગ, કેમિકલના કારણે આગે વિકરાળ સ્વરૂપ લીધું