વડોદરા-હાલોલ રોડ પર આજે એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ હતી. ચાલુ ટેન્કરમાં અચાનક આગ ફાટી નીકળતા હાઈવે પર ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે આખું ટેન્કર આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું.


હાલોલ રોડ પર ચાલતા ટેન્કરમાં આગ

મળતી માહિતી મુજબ, ટેન્કર હાઈવે પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક તેના ટાયરમાં ઘર્ષણને કારણે તણખા થયા હતા. આ તણખાએ જોતજોતામાં ટેન્કરની ડીઝલ ટાંકીને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. ટેન્કરમાં જ્વલનશીલ કેમિકલ ભરેલું હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી અને જોતજોતામાં આખું ટેન્કર બળીને ખાખ થઈ ગયું હતું. આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા.

ચાલકની સમયસૂચકતાથી જીવ બચી ગયો

આ મોટી હોનારતમાં ટેન્કર ચાલકે અદભૂત સમયસૂચકતા વાપરી હતી. જેવી તેને આગ લાગી હોવાની જાણ થઈ, તે તુરંત જ ચાલુ ટેન્કરમાંથી કૂદી પડ્યો હતો. ડ્રાઈવરની આ સમયસૂચકતાને કારણે તેનો જીવ બચી ગયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી. આગની આ ઘટનાને પગલે વડોદરા-હાલોલ હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વાહનોની લાંબી કતારો લાગી જતા મુસાફરો અટવાયા હતા.

ફાયર બ્રિગેડની કામગીરી

ઘટનાની જાણ થતા જ જરોદ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી.મોડી સાંજે ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. કેમિકલ હોવાને કારણે આગ ઓલાવવામાં મુશ્કેલી પડી હતી, પરંતુ સતત પાણીના મારો ચલાવીને સ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી હતી. હાલ આ મામલે પોલીસે પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Gondal: જૂની અદાવતમાં આંબેડકર ચોકમાં રિક્ષા સળગાવી, પથ્થરમારો થતા બજારો ટપોટપ બંધ

  • Follow us on: