જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ રોડ પર આવેલા મેક્શન સર્કલ પાસે ભરી બજારે અજાણ્યા શખ્સોએ એક 16 વર્ષીય સગીરની નિર્મમ હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
જાહેરમાં છરીના ઘા ઝીંકી ફરાર
મળતી માહિતી મુજબ, અંદાજે 16 વર્ષની વયનો સગીર યુવક જ્યારે મેક્શન સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે બે થી ત્રણ અજાણ્યા શખ્સોએ તેને આંતર્યો હતો. કોઈ પણ તક આપ્યા વગર હુમલાખોરોએ સગીર પર તીક્ષ્ણ છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ભયાનક હતો કે સગીર લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. કૃત્યને અંજામ આપી હુમલાખોરો ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.










