ગુજરાતમાં નકલી દવાઓનું વેચાણ અને ઉત્પાદન કરતા તત્વો સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ લાલ આંખ કરી છે. વડોદરાના સાકરદા વિસ્તારમાં આવેલી ઇન્ટીગ્રીટી ફાર્માકેમ (Integrity Pharmachem) નામની કંપની પર SMC ની ટીમે ઓચિંતો દરોડો પાડી નકલી દવાઓના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.


નકલી દવાઓના મોટા રેકેટનો પર્દાફાશ

સ્ટેટ મોનિટરિંગ સેલને ચોક્કસ બાતમી મળી હતી કે સાકરદા વિસ્તારમાં આવેલી આ ફાર્મા કંપનીમાં કોઈ પણ માન્ય લાયસન્સ કે ગુણવત્તાના ધોરણો વગર નકલી દવાઓનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે કંપનીના પરિસરમાં તપાસ હાથ ધરતા મોટી માત્રામાં શંકાસ્પદ અને નકલી દવાઓનો જથ્થો મળી આવ્યો હતો.

મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત

દરોડા દરમિયાન SMC એ કંપનીમાંથી અલગ-અલગ પ્રકારની ગોળીઓ, કેપ્સ્યુલ અને દવાઓ બનાવવાનું મશીનરી સહિતનો સામાન જપ્ત કર્યો છે. પોલીસ દ્વારા દવાઓના સેમ્પલ લઈને તેને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જપ્ત કરાયેલા જથ્થાની કિંમત લાખોમાં હોવાનું અનુમાન છે.

નકલી દવાઓનું હબ બનતું વડોદરા?

વડોદરા અને તેની આસપાસના વિસ્તારો છેલ્લા કેટલાક સમયથી નકલી દવાઓના ઉત્પાદન માટે કુખ્યાત બની રહ્યા હોય તેવું લાગે છે.અગાઉ પણ સાકરદા નજીક આવેલા નવદુર્ગા એસ્ટેટમાં પણ નકલી દવાઓ બનાવવાનું મોટું કારખાનું ઝડપાયું હતું. આ દરોડા બાદ હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી દવાઓ કયા શહેરોમાં સપ્લાય કરવામાં આવતી હતી અને આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે.હાલમાં SMC એ કંપનીના સંચાલકોની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ કાર્યવાહીથી નકલી દવાઓનો કાળો કારોબાર કરતા માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: Patan: નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મુદ્દે હોબાળો, ભાજપના જ બે કોર્પોરેટરો જાહેરમાં બાખડ્યા


  • Follow us on: