સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા રણમાં વાછડા દાદાના દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને વિસાવડી ગામ નજીક કાળમુખો અકસ્માત નડ્યો હતો. પૂરઝડપે આવતા એક ટ્રેક્ટરે કારને જોરદાર ટક્કર મારતા કાર રોડ નીચે ખાડામાં ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં પરિવારના ત્રણ સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
દર્શન કરી પરત ફરતી વખતે સર્જાયો અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, મહેશકુમાર મહાદેવભાઈ દસાડીયા તેમના પરિવાર સાથે કારમાં ઝીંઝુવાડા રણ સ્થિત વાછડા દાદાના દર્શન કરવા ગયા હતા. પરિવારમાં તેમની પત્ની રેખાબેન, ભત્રીજો, ભત્રીજાની પત્ની વૈશાલીબેન અને નાની દીકરી દિયાંસી સામેલ હતા. સાંજે પ:૩૦ વાગ્યાના સુમારે જ્યારે તેઓ સાવડા ગામ પરત ફરી રહ્યા હતા, ત્યારે જૈનાબાદ વળાંક પાસે સામેથી આવતા એક ટ્રેક્ટરે તેમની કારને અડફેટે લીધી હતી.
ટ્રેક્ટર ચાલકની બેદરકારી આવી સામે
અકસ્માત અંગે નોંધાવેલી ફરિયાદ મુજબ, સામેથી આવતું ટ્રેક્ટર અત્યંત પૂરઝડપે અને રોડની વચ્ચે ચાલી રહ્યું હતું. સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે સાંજના સમયે પણ ટ્રેક્ટરની લાઈટો બંધ હતી. ટ્રેક્ટરની ટક્કર વાગતા જ કાર ચાલકે સંતુલન ગુમાવ્યું હતું અને કાર રસ્તાની બાજુમાં આવેલા ખાડામાં પલટી ગઈ હતી.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
અકસ્માતમાં રેખાબેન દસાડીયા સહિત પરિવારના ત્રણ સભ્યોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક માંડલની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત રેખાબેનને વધુ સારવાર માટે વિરમગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તબીબોના જણાવ્યા મુજબ, રેખાબેનને ડાબા હાથે ફ્રેક્ચર થતા પ્લાસ્ટર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: બેંક ખાતું ભાડે આપનારા બે શખ્સો ઝડપાયા, 7.80 લાખની છેતરપિંડીનો પર્દાફાશ