સુરેન્દ્રનગરના ચકચારી જમીન લાંચ અને ભ્રષ્ટાચારના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આજે વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. EDની ટીમે કલેક્ટર કચેરીના વધુ બે કર્મચારીઓ, ક્લાર્ક સંજય અને પટ્ટાવાળા નીતિનની ધરપકડ કરી છે. આ બંને કર્મચારીઓ મૂળ સુરેન્દ્રનગરના જ રહેવાસી છે. વહેલી સવારે ED દ્વારા તેમની અટકાયત કરી ઉંડી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં સંતોષકારક જવાબ ન મળતા અને પુરાવાઓના આધારે તેમની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી કલેક્ટર કચેરીના અન્ય કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
કલેક્ટર કચેરીમાં ED ના ધામા
મળતી વિગતો મુજબ, જમીનના ટાઈટલ ક્લિયરન્સ અને અન્ય વહીવટી પ્રક્રિયાઓમાં મોટી રકમની લાંચ લેવામાં આ કર્મચારીઓની ભૂમિકા હોવાની શંકા સેવાઈ રહી છે. ED હવે આ બંને આરોપીઓને રિમાંડ માટે સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરશે, જેથી આ મોટા કૌભાંડના મૂળ સુધી પહોંચી શકાય. તપાસ સંસ્થા એ જાણવા માટે પ્રયત્ન કરી રહી છે કે આ લાંચના નાણાં ક્યાં અને કોના કહેવાથી ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ કેસમાં આગામી દિવસોમાં હજુ પણ કેટલાક મોટા માથાઓની ધરપકડ થવાની શક્યતા નકારી શકાતી નથી.













