સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો હાલમાં ઘુડખરના વધતા ત્રાસથી ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ સમસ્યાથી કંટાળીને 10 ગામના ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા બે વર્ષથી તેઓ તંત્રને આ બાબતે વારંવાર રજૂઆત કરી રહ્યા છે, તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી અને કોઈ નક્કર કામગીરી થઈ નથી.

નુકસાનનો ડર

ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ 10 ગામોમાં 400થી વધુ ઘુડખરનો વસવાટ છે, જેઓ રાત્રિના સમયે ખેતરોમાં ઘૂસીને રવિ પાકને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતો દ્વારા વાવવામાં આવેલા ચણા, જીરુ, વરિયાળી અને તુવેરના મહત્ત્વના પાકને ઘુડખર ખાઈ જતાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. તંત્ર તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવે તેવી ખેડૂતોની માંગ છે, અન્યથા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.