સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે સરકારી જમીનમાં દબાણ અને તેને ભાડે આપીને ગેરકાયદેસર કમાણી કરવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. ચોટીલા વન વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી ભરત ખાચર દ્વારા આ સમગ્ર કારસ્તાન આચરવામાં આવ્યું હતું. ભરત ખાચરે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઠંડાપીણાનું ગોડાઉન ખડકી દીધું હતું. આ દબાણવાળી જમીનને ભાડે આપીને તે નિયમિતપણે નાણાં વસૂલતો હતો.
મામલતદારની તપાસમાં ભાંડો ફૂટ્યો
આ કૌભાંડમાં સામે આવ્યું કે ભાડા કરાર પેટે તે મહિને રૂ. 5,000 વસૂલતો હતો, પરંતુ તપાસમાં ખુલ્યું કે તે દર મહિને રૂ. 12,000 વસૂલતો હતો. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ચોટીલાના મામલતદારને આ જમીન શંકાસ્પદ લાગી. શંકા જતાં મામલતદારે તાત્કાલિક સ્થળ મુલાકાત લીધી અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી. મામલતદારની તપાસમાં જ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા ગોડાઉનમાં રાખવામાં આવેલો મુદ્દામાલ મામલતદારે જપ્ત કરી લીધો હતો અને ભરત ખાચર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
