વન્યપ્રાણીઓના રક્ષણ માટે સતર્ક બનેલા વન વિભાગને સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી સફળતા મળી છે. સાયલા તાલુકાના સેજકપર ગામની સીમમાં માદા નીલગાયનો શિકાર કરી તેનું માંસ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. વન વિભાગની ટીમે મધરાત્રે દરોડો પાડીને બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે, જ્યારે ત્રણ અન્ય શખ્સો ફરાર થઈ ગયા છે.
મધરાત્રે 30 કર્મચારીઓની ટીમનું સિક્રેટ ઓપરેશન
સાયલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાગરભાઈ મકવાણાને બાતમી મળી હતી કે સેજકપરના રેવન્યુ સર્વે નંબર-375માં કેટલાક શખ્સો નીલગાયનો શિકાર કરી રહ્યા છે. આ માહિતીના આધારે વનપાલ અને વનરક્ષકો સહિત 25 થી 30 કર્મચારીઓની ટીમે રાત્રિના અંધકારમાં ઓચિંતી રેઇડ કરી હતી. સ્થળ પર પાંચ શખ્સો નીલગાયના માંસનું કટીંગ કરતા રંગેહાથ ઝડપાયા હતા.
પીછો કરીને બેની ધરપકડ, ત્રણ ફરાર
દરોડા દરમિયાન અંધારાનો લાભ લઈ પાંચ પૈકી ત્રણ શખ્સો નાસી છૂટ્યા હતા. જોકે, વન વિભાગની ટીમે સતર્કતા દાખવી પીછો કરીને નીચે મુજબના બે શખ્સોને દબોચી લીધા હતા. કુરેશી જુબેદ ઇબરાલ અહેમદ, હનીફ ઇબ્રાહીમ સંધી.
મુદ્દામાલ અને કાયદેસરની કાર્યવાહી
ઝડપાયેલા શખ્સોએ કબૂલાત કરી હતી કે તેઓ રાત્રિના સમયે માદા નીલગાયનો શિકાર કરી તેનું માંસ વેચતા હતા. વન વિભાગે સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 30 કિલો નીલગાયનું માંસ, એક સેન્ટ્રો કાર અને એક બાઇક, તીક્ષ્ણ છરા, લોખંડના સળીયા અને બે મોબાઇલ ફોન ₹19,200ની રોકડ રકમ તપાસનીશ અધિકારી દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 ની કડક કલમો હેઠળ ગુનો નોંધી, પકડાયેલ બંને શિકારીઓને બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. હાલમાં વન વિભાગ નાસી છૂટેલા અન્ય ત્રણ શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: અજાપુરાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ભડીયો લુહાર મુદ્દામાલ સાથે ઝડપાયો