સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. અમદાવાદ એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે છટકું ગોઠવીને હેડ કોન્સ્ટેબલ ભરત કાનજીભાઈ મેમકીયાને ₹80,000ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.
હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો
મળતી માહિતી મુજબ, એક ફરિયાદી વિરુદ્ધ પ્રોહિબિશન (દારૂબંધી) હેઠળ ગુનો દાખલ થયો હતો. આ કેસમાં ફરિયાદીને પોલીસ રિમાન્ડ દરમિયાન માર નહીં મારવા માટે અને આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓના નામ નહીં ખોલવા માટે હેડ કોન્સ્ટેબલ ભરત મેમકીયાએ ₹80,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે અમદાવાદ એસીબીમાં જાણ કરી હતી.
