સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં લાંબા સમયથી ચાલી રહેલી બિનકાયદેસર ખનનની પ્રવૃત્તિઓ પર વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. થાનગઢના ખાખરાળી ગામે પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર રીતે ખોદાયેલા કોલસાના કૂવાઓ પૂરી દેવાની (પુરાણ) કામગીરી મોટા પાયે હાથ ધરવામાં આવી છે. થાનગઢ વિસ્તારમાં કાર્બોસેલ (કોલસો) કાઢવા માટે ભૂમાફિયાઓ દ્વારા ઉંડા જોખમી કૂવાઓ ખોદવામાં આવ્યા હતા. આ પ્રવૃત્તિ માત્ર સરકારી સંપત્તિની ચોરી જ નથી, પરંતુ જમીન અને પર્યાવરણ માટે પણ જોખમી સાબિત થઈ રહી હતી.
કાર્બોસેલના ખનન કરાયેલા કુવાઓનું પુરાણ કરાયું
આ ફરિયાદને ધ્યાને લઈ પ્રાંત અધિકારી દ્વારા જાતે સ્થળ પર પહોંચીને જેસીબી અને અન્ય મશીનરીની મદદથી આ કૂવાઓનું પુરાણ શરૂ કરાવાયું છે. તંત્ર દ્વારા તમામ બિનકાયદેસર ખનન કરાયેલા કૂવાઓને એક પછી એક બુરી દેવાની સૂચના આપવામાં આવી છે. આ ઓપરેશનને પગલે ગેરકાયદે ખનન સાથે જોડાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ પ્રકારના ખુલ્લા કૂવાઓ અકસ્માત અને પશુઓના મૃત્યુનું કારણ પણ બનતા હતા, જેને પગલે આ કાર્યવાહી અત્યંત જરૂરી હતી.













