સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) ની સૂચનાથી પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત LCB પોલીસે મોટી સફળતા મેળવી છે. ધ્રાંગધ્રા હાઈવે પરથી ₹1 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પોલીસે બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.
ગુપ્ત ચોરખાનામાં છુપાવેલો હતો દારૂ
સુરેન્દ્રનગર LCB અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ-કચ્છ હાઇવે પર આવેલી આશીર્વાદ હોટલના પાર્કિંગમાં તપાસ હાથ ધરી હતી. અહીં ઉભેલી ટાટા કંપનીની ટ્રક (નંબર NL-01-Q-1030) ની તલાશી લેતા, પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટ્રકની અંદર ખાસ પ્રકારે બનાવેલા ગુપ્ત ચોરખાનામાં વિદેશી દારૂની બોટલો સંતાડવામાં આવી હતી.










