સુરેન્દ્રનગર જિલ્લામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પાડવામાં આવેલા દરોડાના બીજા દિવસે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની વિધિવત ધરપકડ કરવામાં આવી છે. ગઇકાલે કલેક્ટર નિવાસસ્થાન અને નાયબ મામલતદારના રહેઠાણ સહિતના સ્થળોએ હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં અનેક વાંધાજનક દસ્તાવેજો અને પુરાવાઓ હાથ લાગ્યા હતા. EDએ આરોપીને અમદાવાદની વિશેષ અદાલતમાં રજૂ કર્યો હતો. સુનાવણી દરમિયાન EDએ કોર્ટને જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસમાં નોંધાયેલી એક ખંડણીની ફરિયાદની તપાસ દરમિયાન આ કૌભાંડના તાર ગુજરાતના અધિકારીઓ સાથે જોડાયેલા હોવાની કડીઓ મળી હતી, જેના આધારે આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
વહીવટી તંત્રમાં ભૂકંપ
કોર્ટમાં રજૂઆત કરતા EDએ જણાવ્યું કે આરોપી ચંદ્રસિંહ મોરીના કબજામાંથી એવું વાંધાજનક મટિરિયલ અને દસ્તાવેજો મળી આવ્યા છે જે ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ ઈશારો કરે છે. આ સમગ્ર નેટવર્ક અને મની ટ્રેલની ઉંડી તપાસ કરવા માટે તપાસ એજન્સીએ આરોપીના 14 દિવસના રિમાન્ડની માગણી કરી છે. ઉલ્લેખનીય છે કે, કલેક્ટર નિવાસસ્થાને પણ સર્ચ કરવામાં આવ્યું હોવાથી આ તપાસનો વ્યાપ આગામી સમયમાં વધી શકે છે અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પર પણ ગાજ પડી શકે છે. હાલમાં આ મામલે સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ અરજી પર સુનાવણી ચાલી રહી છે.
