લીંબડી-અમદાવાદ નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે ગેસ લાઈન લીકેજ થવાની ઘટનાને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લાના મીઠાપુર ગામની સીમમાંથી પસાર થતી ગેસ લાઈનમાં અચાનક લીકેજ થયા બાદ આગ ભભૂકી ઉઠતા હાઈવે પર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે એક મોટી હોનારત ટળી ગઈ છે.
હાઈવે પર ગેસ લાઈન લીકેજ
પ્રાપ્ત વિગતો અનુસાર, મીઠાપુર ગામ નજીક હાઈવે પરથી પસાર થતી મુખ્ય ગેસ લાઈનમાં અચાનક ગાબડું પડ્યું હતું અને ગેસનું દબાણ વધુ હોવાથી જોતજોતામાં ત્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાતા હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. સાવચેતીના ભાગરૂપે હાઈવે પરનો ટ્રાફિક અટકાવી દેવામાં આવતા બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી અને ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.
