સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના બાકી વેરા વસૂલાતને લઈને અત્યંત કડક વલણ અપનાવવામાં આવ્યું છે. લાંબા સમયથી વેરો ન ભરતા અને તંત્રની નોટિસોને નજરઅંદાજ કરનારા મિલકતધારકો સામે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. હાઉસટેક્સ વિભાગની ટીમે આજે સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં આક્રમક કાર્યવાહી હાથ ધરી અનેક મિલકતોને સીલ મારી દીધા છે.


નોટિસો છતાં વેરો ન ભરાતા કાર્યવાહી

મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર શહેરના અનેક મિલકતધારકો પાસે વર્ષોથી લાખો રૂપિયાનો ટેક્સ બાકી છે. તંત્ર દ્વારા અગાઉ અનેકવાર નોટિસો પાઠવીને વેરો ભરી જવા તાકીદ કરવામાં આવી હતી, તેમ છતાં બાકીદારો દ્વારા કોઈ જ પ્રતિસાદ આપવામાં આવ્યો ન હતો. પરિણામે, આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ટેક્સ ટીમે પોલીસ બંદોબસ્ત અને કડક અમલીકરણ સાથે મેદાને ઉતરીને સીલિંગની પ્રક્રિયા હાથ ધરી હતી.

હોસ્પિટલથી લઈને વાડીઓ સુધી તવાઈ

તંત્ર દ્વારા આ કાર્યવાહીમાં કોઈ પણ પ્રકારની શેહશરમ રાખવામાં આવી નથી. સુરેન્દ્રનગર શહેરની જાણીતી હોસ્પિટલો, કોમર્શિયલ દુકાનો, લગ્ન માટેની વાડીઓ અને મકાનો સહિતની મિલકતો પર સીલ મારી દેવામાં આવ્યું છે. પાલિકાના આ રૌદ્ર સ્વરૂપને જોઈને વેરા બાકીદારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.




બાકીદારોમાં મચ્યો દોડધામ

તંત્રની આ આકરી કાર્યવાહીના સમાચાર વાયુવેગે પ્રસરતા જ ઘણા બાકીદારો તાત્કાલિક ટેક્સ ભરવા માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની કચેરીએ દોડી ગયા હતા. તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, જ્યાં સુધી બાકી લેણાં ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી આ ઝુંબેશ અટકશે નહીં. આગામી દિવસોમાં હજુ પણ વધુ મિલકતો સીલ થાય તેવી શક્યતા છે.


આ પણ વાંચો - Surendranagar news: ધ્રાંગધ્રામાં માનવતા શર્મસાર, 9 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર દુકાનદાર ઝડપાયો


  • Follow us on: