ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ આકાશમાં પતંગોના પેચ લડાવવા માટે જીવલેણ ચાઇનીઝ દોરીનું વેચાણ વધતું હોય છે. ત્યારે આ વર્ષે પોલીસ પ્રશાસન દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ સામે કડક ઝુંબેશ છેડવામાં આવી છે. આ કડીમાં સુરેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક સફળ રેડ કરીને ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી લેવામાં આવ્યા છે.


ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી

સુરેન્દ્રનગર એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, સુરેન્દ્રનગર શહેરના અમુક વિસ્તારોમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો વેચાણ અર્થે ઉતારવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને વિજયભાઈ મનસુખભાઈ બારીયા નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. આ શખ્સની ઝડતી લેતા પોલીસને તેની પાસેથી ઘાતક અને જીવલેણ એવી ચાઇનીઝ દોરીની કુલ 46 નંગ રીલ મળી આવી હતી.

મુદ્દામાલ અને ધરપકડ

પોલીસ દ્વારા આ કાર્યવાહી દરમિયાન અંદાજે રૂપિયા 184000 ની કિંમતની ચાઇનીઝ દોરી જપ્ત કરી છે. આરોપી વિજયભાઈ બારીયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચાઇનીઝ દોરી પક્ષીઓ અને માનવીઓ માટે જીવલેણ સાબિત થતી હોવાથી હાઈકોર્ટ અને સરકાર દ્વારા તેના પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

લોકોને પોલીસની અપીલ

સુરેન્દ્રનગર પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, ઉત્તરાયણનો તહેવાર સુરક્ષિત રીતે ઉજવો અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવાનું ટાળો. જો ક્યાંય પણ આવી દોરીનું વેચાણ થતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવાયું છે. આગામી દિવસોમાં પણ એસઓજી દ્વારા આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે, તેવા સંકેતો મળ્યા છે.


આ પણ વાંચો - Surendranagar News: ખનિજ માફિયાનું જાહેરમાં સરઘસ કઢાયું


  • Follow us on: