યાત્રાધામ ચોટીલાના હાઈવે પર ફરી એકવાર વહીવટી તંત્રનું બુલડોઝર ગુંજ્યું છે. લાંબા સમયથી હાઈવેની આસપાસ સરકારી જમીનો પર થતા દબાણો અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે લોકફરિયાદો ઉઠી રહી હતી, જેના પગલે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઓપરેશનમાં હાઈવે પરની ત્રણ પ્રખ્યાત હોટલોના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.


ગેરકાયદે દબાણોને નિશાન બનાવવામાં આવ્યા

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી ચોટીલા પ્રાંત અધિકારી એચ ટી મકવાણાના માર્ગદર્શન હેઠળ આજે સવારથી જ હાઈવે પર ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ખાસ કરીને જય મોમાઈ હોટલ, દ્વારકાધીશ હોટલ અને તુલસી હોટલ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

હોટલોના ગેરકાયદે ભાગોને જમીનદોસ્ત કરી દેવાયા

તંત્ર દ્વારા અગાઉ નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં દબાણ દૂર ન થતા, આજે જેસીબી અને બુલડોઝરની મદદથી આ હોટલોના ગેરકાયદે ભાગોને તોડી પાડી જમીનદોસ્ત કરી દેવાયા હતા. ભૂમાફિયાઓ અને દબાણકર્તાઓમાં ફફડાટ હાઈવે પર દબાણ દૂર થતાં રસ્તાઓ મોકળા બન્યા છે.

દબાણકર્તાઓમાં ભારે ફફડાટ

પ્રાંત અધિકારી મકવાણાએ જણાવ્યું હતું કે, હાઈવે પર થતી ગેરકાયદે પ્રવૃત્તિઓ અને સરકારી જમીન પચાવી પાડનારાઓ સામે તંત્ર લાલ આંખ કરશે. આગામી સમયમાં પણ જો કોઈ ગેરકાયદે બાંધકામ જણાશે તો તેની સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ મેગા ડિમોલિશનને પગલે હાઈવે પર હોટલ સંચાલકો અને દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

પોલીસનો કાફલો પણ તૈનાત

સ્થાનિક લોકોએ તંત્રની આ કામગીરીને આવકારી છે, કારણ કે ગેરકાયદે હોટલો અને તેના પાર્કિંગના કારણે હાઈવે પર અવારનવાર ટ્રાફિક જામ અને અકસ્માતની સમસ્યાઓ સર્જાતી હતી. હાલમાં આ સમગ્ર વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસનો કાફલો પણ તૈનાત રાખવામાં આવ્યો હતો.


આ પણ વાંચો - Surendranagar:ચોટિલા આરોહણ-અવરોહણ સ્પર્ધામાં સાહિલે 7.04 મિનિટ, અસ્મિતાએ 8.23 મિનિટમાં ડુંગર સર કર્યો


  • Follow us on: