માર્ગ અકસ્માતના કિસ્સામાં 'ગોલ્ડન અવર'માં ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી અમલી બનાવાયેલી "પ્રાઇમ મિનિસ્ટર રોડ એક્સિડેન્ટ વિક્ટીમ્સ હોસ્પિટલાઇઝેશન એન્ડ એશ્યોર્ડ ટ્રીટમેન્ટ સ્કીમ PM-RAHAT"ના સુચારુ અમલીકરણ માટે સુરેન્દ્રનગર જિલ્લા નિવાસી અધિક કલેક્ટર બી.એ.પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આર્થિક સંકડામણને કારણે કોઈ વ્યક્તિ જીવ ન ગુમાવે
આ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને પ્રોજેક્ટની વિવિધ કામગીરી અને અમલીકરણ અંગે જરૂરી તકનીકી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી એમ.ડી. પાનશેરિયાએ પ્રેઝન્ટેશન દ્વારા જણાવ્યું હતું કે, અકસ્માતનો ભોગ બનનાર દર્દીને PMJAY આયુષ્માન કાર્ડ યોજના સાથે સંકળાયેલી નિયત હોસ્પિટલોમાં રૂ. ૧.૫ લાખ સુધીની સારવાર ૭ દિવસ સુધી બિલકુલ વિનામૂલ્યે આપવામાં આવશે. આ ઉપરાંત, અન્ય ખાનગી હોસ્પિટલોમાં પણ પીડિતને જોખમમાંથી બહાર લાવવા માટે જરૂરી તાત્કાલિક 'સ્ટેબિલાઇઝેશન ટ્રીટમેન્ટ' મફત પૂરી પાડવામાં આવશે, જેથી આર્થિક સંકડામણને કારણે કોઈ વ્યક્તિ જીવ ન ગુમાવે. વધુમાં, યોજનાની પારદર્શિતા માટે પોલીસ દ્વારા 'E-DAR' ઇલેક્ટ્રોનિક ડિટેલ્ડ એક્સિડેન્ટ રિપોર્ટ પર 'વિક્ટીમ આઇ.ડી.' જનરેટ કરવામાં આવશે. આ આઇડીને હોસ્પિટલની 'TMS' ટ્રાન્જેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ સાથે લિંક કરવામાં આવશે, જેથી સારવારની પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ અને ઝડપી બનશે. અકસ્માતની જાણ ૧૧૨ નંબર પર થતાં જ એમ્બ્યુલન્સ પીડિતને નજીકની હોસ્પિટલમાં ખસેડશે. વીમો ન ધરાવતા વાહનો કે 'હિટ એન્ડ રન'ના કિસ્સામાં સરકાર દ્વારા જિલ્લા કલેક્ટરની સત્તા હેઠળ સારવારની રકમની ચુકવણી કરવામાં આવશે.













