આ ભવ્ય વિરાસતને ૨૧મી સદીના આધુનિક પડકારો સામે ટકાવી રાખવા અને સ્થાનિક કલાકારોની કલાને વૈશ્વિક ફલક ઉપર ઉજાગર કરવાના ઉમદા હેતુથી, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગ દ્વારા 'સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ - સાપ્તી’ કાર્યરત છે. આ સંસ્થા માત્ર પરંપરાગત કલા માટેનું તાલીમ કેન્દ્ર નથી, પરંતુ ગુજરાતની હસ્તકલાને આંતરરાષ્ટ્રીય બજારની આધુનિક માંગ સાથે જોડતી અને લુપ્ત થતી કલામાં પ્રાણ ફૂંકતી એક મજબૂત સંસ્થાકીય કડી છે.

ઝાલાવાડનો ધ્રાંગધ્રા પંથક તેના વિશિષ્ટ 'રેતિયા પથ્થર' માટે જાણીતો છે

અહીંની 'સાપ્તી' સંસ્થા આ પીળા પથ્થરોને નવી ઓળખ આપી રહી છે. અહીં પરંપરાગત રીતે પથ્થરનું કામ કરતા પરિવારોના યુવાનોને આધુનિક ટેકનોલોજી, ડિઝાઈનિંગ અને ફિનિશિંગની સચોટ તાલીમ આપવામાં આવે છે. જ્યારે પૂર્વજો પાસેથી મળેલી પરંપરાગત કલાને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને અત્યાધુનિક CNC મશીનરી કે 3D ડિઝાઈનિંગ સોફ્ટવેરનું પીઠબળ મળે છે, ત્યારે પથ્થરમાંથી અદ્ભુત કલાકૃતિઓ નીખરી ઉઠે છે. આ તાલીમ દ્વારા કારીગરો માત્ર મૂર્તિઓ જ નહીં, પરંતુ સ્થાપત્ય અને ગૃહ સુશોભનની અદ્ભુત વસ્તુઓ બનાવવામાં પણ નિપુણ બની રહ્યા છે.

'સાપ્તી' સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય પથ્થર કલા સાથે જોડાયેલા શ્રમિકોને 'કુશળ કારીગર' અને 'કલાકાર' બનાવવાનો છે

સંસ્થાના પરિસરમાં અત્યાધુનિક વર્કશોપ અને લેબોરેટરીની સુવિધાઓ ઉપલબ્ધ છે, જ્યાં પથ્થરને કાપવાથી લઈને તેના પર ઝીણવટભરી કોતરણી કરવા સુધીનું માર્ગદર્શન નિષ્ણાતો દ્વારા આપવામાં આવે છે. આ સઘન તાલીમ મેળવીને અનેક યુવાનો આજે સ્વનિર્ભર બન્યા છે, જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'આત્મનિર્ભર ભારત' અને 'વોકલ ફોર લોકલ'ના સંકલ્પને સાકાર કરે છે. રાજ્ય સરકારના આ પ્રયાસોથી ગ્રામીણ અર્થતંત્રને વેગ મળ્યો છે અને લુપ્ત થતી કલાને નવું જીવન મળ્યું છે.

ધ્રાંગધ્રા કેન્દ્ર રેતી-પથ્થર પર ધ્યાન કેન્દ્રિત કરે છે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિકાસ પણ, વિરાસત પણ'ના વિઝનને અનુસરીને ગુજરાતમાં પથ્થરના પ્રકાર મુજબ અલગ-અલગ કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અંતર્ગત ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૦૯માં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે ‘સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ’ની સ્થાપના કરવામાં આવી હતી. અંબાજી ખાતેની સંસ્થા સફેદ આરસપહાણ પરની બારીક કોતરણી માટે કાર્યરત છે, જ્યારે ધ્રાંગધ્રા કેન્દ્ર રેતી-પથ્થર પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

વિકસિત ભારત @2047ના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે સેતુ સમાન બની રહી છે

આજે ગુજરાતના પથ્થર શિલ્પીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી કલાકૃતિઓ દેશ-વિદેશના મંદિરો, જાહેર સ્થાપત્યો અને બગીચાઓની શોભા વધારી રહી છે. ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણકામ વિભાગ તેમજ ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ કમિશનરની કચેરીના સહયોગથી કાર્યરત આ સંસ્થાઓ કારીગરોને એક્ઝિબિશન અને માર્કેટિંગ પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે. આમ, પથ્થરના દરેક કણમાંથી કલાના રત્નો કંડારતી 'સાપ્તી' સંસ્થા ગુજરાતના ભવ્ય ભૂતકાળ અને 'વિકસિત ભારત @૨૦૪૭' ના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે સેતુ સમાન બની રહી છે.

કોમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા પ્રોગ્રામિંગની તાલીમ પણ આપવામાં આવે છે

સાપ્તી ઇન્સ્ટિટ્યૂટના સેન્ટર ડાયરેક્ટર શ્રી હરપાલ જાંગડાએ સંસ્થાની કામગીરી અને ભાવિ આયોજનો વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ અંબાજી અને ધ્રાંગધ્રા ખાતે કાર્યરત આ યુનિક ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓને શિલ્પકલાની ઝીણવટભરી તાલીમ આપવા માટે સરકાર દ્વારા મોટું રોકાણ કરવામાં આવ્યું છે. અહીં વિદ્યાર્થીઓને રહેવા-જમવાની પાયાની સુવિધાઓની સાથે-સાથે ડ્રોઈંગથી લઈને કાર્વિંગ સુધીની તમામ પ્રક્રિયા માટે હેમર-ચીઝલ, પાવર ટુલ્સ અને આધુનિક CNC મશીનો જેવા સાધનો નિઃશુલ્ક પૂરા પાડવામાં આવે છે. આ ઉપરાંત, કોમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા પ્રોગ્રામિંગની તાલીમ પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓના કૌશલ્યને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે 'આકાર બાય સાપ્તી' જેવી સાઇટ પણ વિકસાવવામાં આવી છે, જ્યાં વિદ્યાર્થીઓ તેમના પ્રોજેક્ટ્સ શેર કરી શકે છે. વધુમાં, આગામી સમયમાં વિદ્યાર્થીઓના કૌશલ્ય વર્ધન માટે સંસ્થા દ્વારા ટૂંક સમયમાં જ એક ઇન્ક્યુબેશન સેન્ટર શરૂ કરવામાં આવનાર છે. જે હેઠળ વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી તમામ સાધન-સામગ્રી સાથે સંસ્થામાં રહીને કામ કરવાની તક મળશે, જેથી તેઓ આર્થિક રીતે સધ્ધર બની શકે.

યુવાનોને આર્થિક ભાર વગર આધુનિક કૌશલ્ય શીખવામાં મદદરૂપ બને છે

અમરેલી જિલ્લાના ખોપરીયા ગામના વતની પિયુષ જુણેજાએ અહીં બે વર્ષનો 'સ્ટોન ક્રાફ્ટ એન્ડ ડિઝાઇન' નો વિશેષ કોર્સ પૂર્ણ કર્યો છે, જેમાં તેમણે પરંપરાગત કલાને આધુનિક ટેકનોલોજી સાથે જોડવાનું ઉત્તમ જ્ઞાન મેળવ્યું છે. આ તાલીમ દરમિયાન પિયુષે CNC મશીન અને લેથ મશીન જેવા અત્યાધુનિક સાધનોના સંચાલનમાં મહારત હાસલ કરી છે, જેના માટે તેમણે ArtCAM, AutoCAD અને 3ds Max જેવા જટિલ ડિઝાઇનિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરતા પણ શીખ્યું છે. ટેકનિકલ તાલીમની સાથે પિયુષે સંસ્થાની સુવિધાઓની પણ પ્રશંસા કરી હતી, જે ગ્રામીણ વિસ્તારના યુવાનોને આર્થિક ભાર વગર આધુનિક કૌશલ્ય શીખવામાં મદદરૂપ બને છે.

મશીન ટેકનોલોજી પર કરવામાં આવેલું પ્રેક્ટિકલ કામ સમજવાની તક મળી

આણંદની પ્રતિષ્ઠિત સીવીએમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તાજેતરમાં એક શૈક્ષણિક મુલાકાત લીધી હતી, જે અંતર્ગત તેઓએ સ્ટોન કાર્વિંગ અને આધુનિક ડિઝાઈનિંગ ટેકનોલોજી વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીની વૃષા રાણાએ જણાવ્યું હતું કે, આ પ્રવાસ તેમના માટે જ્ઞાનવર્ધક રહ્યો છે. તેમને પથ્થર પરની કોતરણી અને વિવિધ જટિલ ડિઝાઇન્સ વિશે ઊંડાણપૂર્વક સમજવાની તક મળી હતી, જેમાં ખાસ કરીને સીએનસી મશીન ટેકનોલોજી પર કરવામાં આવેલું પ્રેક્ટિકલ કામ સમજવાની તક મળી હતી, જે ભવિષ્યમાં તેમના વ્યવસાયિક કૌશલ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

ગુજરાતની ભવ્ય સ્થાપત્ય કલાના વારસાને દેશ-વિદેશમાં વધુ ગુંજતો કરશે

પોતાના છ દિવસીય શૈક્ષણિક પ્રવાસના અનુભવો વર્ણવતા વિદ્યાર્થિની પ્રત્યંચાએ જણાવ્યું હતું કે, આ સંસ્થામાં ઉચ્ચ સ્તરીય તાલીમ આપવામાં આવે છે. વર્કશોપમાં સ્કેચિંગથી લઈને અત્યાધુનિક સીએનસી અને લેથ મશીન પર કર્વ કાર્વિંગ કેવી રીતે કરવું તેની ઝીણવટભરી માહિતી પૂરી પાડવામાં આવી હતી. અહીં માત્ર ટેકનિકલ જ્ઞાન જ નહીં, પરંતુ પોતાના ક્રિએટિવ આઈડિયાઝને લોકો સુધી કેવી રીતે પહોંચાડવા તે અંગે પણ માર્ગદર્શન અપાયું છે. આમ, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગના સતત પ્રોત્સાહન હેઠળ 'સાપ્તી' સંસ્થા આજે પથ્થર કલાના ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ લાવી રહી છે. પરંપરાગત કૌશલ્ય અને આધુનિક ટેકનોલોજીના આ અનોખા સંગમથી માત્ર કલાનો જ ઉદ્ધાર નથી થયો, પરંતુ હજારો યુવાનો માટે રોજગારીના નવા દ્વાર પણ ખુલ્યા છે. ધ્રાંગધ્રા અને અંબાજીના આ તાલીમ કેન્દ્રો આગામી સમયમાં વૈશ્વિક સ્તરના કુશળ શિલ્પીઓ તૈયાર કરી, ગુજરાતની ભવ્ય સ્થાપત્ય કલાના વારસાને દેશ-વિદેશમાં વધુ ગુંજતો કરશે.


આ પણ વાંચો : Weather News : કચ્છમાં આગામી 3 કલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી, હવામાન વિભાગનું નાઉ કાસ્ટ બુલેટીન જાહેર