સુરક્ષા અને સુચારુ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી સુરેન્દ્રનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.ઓઝા દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાં જણાવ્યા પ્રમાણે આજ રોજ સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુવિધા માટે ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે
જે મુજબ ધ્રાંગધ્રા તરફથી આવતા અને રાજકોટ, ચોટીલા કે મૂળી તરફ જતા મોટા વાહનોએ હવે ધ્રાંગધ્રા-કોંઢ-સરા-સરલા થઈને મૂળી તરફ જવાનું રહેશે. તેવી જ રીતે રાજકોટ કે મૂળી તરફથી ધ્રાંગધ્રા જવા માંગતા વાહનોએ પણ આ જ પરત રૂટનો ઉપયોગ કરવાનો રહેશે. સુરેન્દ્રનગર અને લીંબડીથી ધ્રાંગધ્રા જવા માટે વાહનોએ ગેબનશાહ પીર સર્કલથી લખતર-વણા-માલવણ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. માલવણ તરફથી આવતા-જતા વાહનો માટે લખતર-ગેબનશાહ સર્કલનો રૂટ નક્કી કરાયો છે. જ્યારે મૂળીથી માલવણ જતા વાહનોએ મેકશન સર્કલથી વઢવાણ અને ગેબનશાહ સર્કલ થઈને લખતર તરફ જવાનું રહેશે.













