જિલ્લા કલેક્ટર કે. એસ. યાજ્ઞિકની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાની વિવિધ ગેસ એજન્સીઓ પર આકસ્મિક તપાસની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.


ગેસ સિલિન્ડરના જથ્થાની ભૌતિક ચકાસણી કરવામાં આવી હતી

જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરના સંકલન સાથે સમગ્ર જિલ્લાના તમામ તાલુકાઓમાં આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત સંબંધિત તાલુકાના મામલતદાર અને ફિલ્ડ સ્ટાફની બનેલી વિશેષ ટીમોએ પોતપોતાના કાર્યક્ષેત્રમાં આવતી ગેસ એજન્સીઓની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ તપાસ દરમિયાન એજન્સીઓ પાસે ઉપલબ્ધ ગેસ સિલિન્ડરના જથ્થાની ભૌતિક ચકાસણી કરવામાં આવી હતી તેમજ સ્ટોક રજિસ્ટર અને વિતરણ વ્યવસ્થાની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

એજન્સીએ નિયત પૂરતો સ્ટોક જાળવવો અને નિયમ મુજબ તેનું વિતરણ કરવું અનિવાર્ય

ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી અને કાળાબજારી અટકાવવાના હેતુથી કરવામાં આવેલી આ તપાસમાં ખાસ કરીને ડોમેસ્ટિક એટલે કે ઘરવપરાશના સિલિન્ડરનો જથ્થો પ્રાથમિકતાના ધોરણે નાગરિકોને મળી રહે તે માટે એજન્સી સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે. દરેક એજન્સીએ નિયત પૂરતો સ્ટોક જાળવવો અને નિયમ મુજબ તેનું વિતરણ કરવું અનિવાર્ય છે. જો કોઈ પણ કક્ષાએ અનિયમિતતા જણાશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નાગરિકોના હિત માટે અને બજારમાં કૃત્રિમ અછત ન સર્જાય તે માટે વહીવટી તંત્ર સતત સતર્ક છે. આગામી દિવસોમાં પણ આવી આકસ્મિક તપાસનો દોર ચાલુ રાખવામાં આવશે જેથી સામાન્ય જનતાના હકોનું રક્ષણ કરી શકાય.


આ પણ વાંચો : Anand News : 40 લોકોને ભાગવત સપ્તાહમાં લઈ જવાના બહાને ખંભાતના ચિરાગ જોશીએ આચરી મોટી છેતરપિંડી


  • Follow us on: