પ્રજ્ઞાચક્ષુ એવા રાજેશભાઈની શારીરિક દ્રષ્ટિ ભલે મર્યાદિત હોય, પરંતુ તેમની માનવતાની અને સેવાકીય દ્રષ્ટિ અત્યંત વિશાળ અને કરુણાપૂર્ણ છે. 'નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ'ના સ્થાપક તરીકે તેમણે પતિના અવસાન બાદ સામાજિક અને આર્થિક રીતે ભાંગી પડેલી મહિલાઓના જીવનમાં આશાનો દીપ પ્રગટાવ્યો છે. આ સંસ્થા સાથે સર્વજ્ઞાતિના ૧૪૨૯ જેટલા બહેનો જોડાયેલા છે. રાજેશભાઈનું જીવન એ વાતની જીવંત સાબિતી છે કે જો મનમાં દ્રઢ 'નિર્ધાર' હોય, તો શારીરિક અક્ષમતા ક્યારેય સમાજસેવાના માર્ગમાં અવરોધ બની શકતી નથી.


રાજેશ રાવલની આ નિઃસ્વાર્થ સેવા અને સમર્પણને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે બિરદાવવામાં આવી છે

તેમને તત્કાલીન રાજ્યપાલ કમલા બેનીવાલના વરદ હસ્તે પ્રતિષ્ઠિત 'ધરતી રત્ન' એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રાજકોટ ખાતે 'દીપચંદ ગાર્ડી સેવા રત્ન' એવોર્ડ અને કુંડળધામ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે સંસ્થાના વિકાસ માટે રૂ. ૦૫ લાખનો ચેક અર્પણ કરી તેમની લોકસેવાની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગરની સેંકડો મહિલાઓનું જીવન સુગમ બન્યું છે

ગુજરાત સરકાર હંમેશા છેવાડાના માનવીના કલ્યાણ માટે કટિબદ્ધ રહી છે ત્યારે રાજેશભાઈની સંસ્થા સરકાર અને જરૂરિયાતમંદો વચ્ચે મજબૂત સેતુ બનીને કાર્ય કરી રહી છે. ખાસ કરીને રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની 'ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના' હેઠળ નિરાધાર બહેનોને મળતી માસિક રૂ. ૧૨૫૦ની સહાયને યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે આ સંસ્થા ભગીરથ કાર્ય કરે છે. અત્યાર સુધીમાં અંદાજે ૭૮૫ જેટલી વિધવા બહેનોને આ યોજનાનો લાભ અપાવવા માટે ફોર્મ ભરવાથી લઈ તમામ કાગળની કાર્યવાહીમાં સંસ્થા મદદરૂપ બની છે. તે જ રીતે કેન્દ્ર સરકારની 'રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના' હેઠળ પણ ૩૬૫ મહિલાઓને રૂ. ૨૦,૦૦૦ની સહાય અપાવવામાં સંસ્થા નિમિત્ત બની છે. આમ, સરકારની કલ્યાણકારી યોજનાઓ અને નિર્ધાર ટ્રસ્ટના સેવાકીય પ્રયાસોના સમન્વયથી સુરેન્દ્રનગરની સેંકડો મહિલાઓનું જીવન સુગમ બન્યું છે.

સ્વાવલંબન એ જ શ્રેષ્ઠ આત્મસન્માન છે

તે વાતને સાર્થક કરવા માટે નિર્ધાર ટ્રસ્ટ દ્વારા વિવિધ કૌશલ્ય વર્ધન કેન્દ્રો ચલાવવામાં આવે છે. વિધવા બહેનો અને તેમની દીકરીઓ સ્વમાનભેર જીવી શકે તે માટે 'શ્રીમતી ચંદ્રાબેન મધુસુદન શાહ સિવણ તાલીમ કેન્દ્ર' અને 'શ્રીમતી હર્ષાબેન પ્રકાશ કુંવરજી શાહ બ્યુટી પાર્લર તાલીમ કેન્દ્ર' કાર્યરત છે. ૨૧મી સદીના ટેકનોલોજીના યુગમાં આ બહેનો પાછળ ન રહી જાય તે માટે 'શ્રી રાધેશ્યામ કમ્પ્યુટર તાલીમ કેન્દ્ર' દ્વારા CCC અને ટેલી - Tally જેવા કોર્સની વ્યવસાયલક્ષી તાલીમ પણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ૩૬૫ થી વધુ મહિલાઓએ તાલીમ મેળવી સ્વરોજગારી પ્રાપ્ત કરી છે. સંસ્થા માત્ર તાલીમ જ નથી આપતી, પરંતુ જરૂરિયાતમંદ બહેનોને સિવણ સંચો કે હાથલારી જેવા સાધનોની સહાય આપીને તેમને પગભર થવા માટેનો પાયો પણ તૈયાર કરી આપે છે.

સમાજમાં એકાંકી જીવન જીવતી વૃદ્ધ વિધવા માતાઓની સંભાળ રાખવીએ આપણી નૈતિક ફરજ છે

નિર્ધાર ટ્રસ્ટ દ્વારા 'શ્રીમતી સ્મિતાબેન ડી.વી. શાહ અને શ્રીમતી કંચનબેન હીરાભાઈ પટેલ વિધવા માતા ભોજનાલય' ચલાવવામાં આવે છે. આ ભોજનાલય દ્વારા શહેરની ૫૧ જેટલી નિરાધાર વૃદ્ધ માતાઓને દરરોજ શુદ્ધ અને પૌષ્ટિક ટિફિન સેવા તેમના ઘરે પહોંચાડવામાં આવે છે. રવિવારે વિશેષ મીઠાઈ સાથેનું ભોજન આપીને તેમના જીવનમાં આનંદ ભરવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ સાથે જ, અત્યંત નબળી આર્થિક સ્થિતિ ધરાવતી ૧૨૮૦ થી વધુ મહિલાઓને અનાજ અને કરિયાણાની કિટ આપીને તેમની સમસ્યાઓ હળવી કરવાનો પ્રયાસ પણ સંસ્થા કરે છે. બહેનોની માનસિક શાંતિ માટે દર વર્ષે શ્રાવણ માસમાં ધાર્મિક યાત્રા-પ્રવાસનું પણ આયોજન કરવામાં આવે છે.

શિક્ષણ અને સામાજિક જવાબદારીના ક્ષેત્રે પણ નિર્ધાર ટ્રસ્ટ અગ્રેસર છે

શિક્ષણ એ પ્રગતિની ચાવી છે, અને વિધવા બહેનોના બાળકોનું શિક્ષણ નાણાના અભાવે ન અટકે તે માટે સંસ્થા સતત કાર્યશીલ છે. છેલ્લા ૧૯ વર્ષથી સંસ્થા દ્વારા વિધવા માતાઓના બાળકો માટે શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવે છે. જેમાં ફુલસ્કેપ ચોપડા, કંપાસ બોક્સ અને લંચબોક્સ જેવી જીવનજરૂરી ચીજોનો સમાવેશ થાય છે. તેજસ્વી બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે ફી સહાય અને પુસ્તકો પૂરા પાડીને તેમની કારકિર્દી ઘડવામાં નિર્ધાર ટ્રસ્ટ પાયાનું યોગદાન આપે છે.

ગુજરાતના સેવાકીય નકશા પર એક તેજસ્વી દિવાદાંડી સમાન ઝળહળી

સામાજિક દાયિત્વ નિભાવતા અત્યાર સુધીમાં ૩૬ દીકરીઓના લગ્ન પ્રસંગે કરિયાવરની વસ્તુઓ આપીને સંસ્થાએ એક પિતાની ગરજ સારી છે. દિવાળીમાં મીઠાઈનું વિતરણ હોય કે ઉત્તરાયણમાં ઊંધિયું-લાડુનું વિતરણ, દરેક પર્વમાં આ પરિવારોને સામેલ કરીને સંસ્થાએ 'સર્વજન હિતાય, સર્વજન સુખાય'ના મંત્રને ખરા અર્થમાં સાર્થક કર્યો છે. રાજેશભાઈ રાવલ અને તેમનો નિર્ધાર ટ્રસ્ટ આજે ગુજરાતના સેવાકીય નકશા પર એક તેજસ્વી દિવાદાંડી સમાન ઝળહળી રહ્યા છે.


આ પણ વાંચો : Gujarat BJP : સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અગાઉ ભાજપ 13 દિવસમાં 100થી વધુ મહાસંમેલન યોજશે, કેન્દ્રીય મંત્રીઓ બજેટના મુદ્દા સાથે ગ્રાઉન્ડ પર ઉતરશે


  • Follow us on: