ઉદ્ધાટન પ્રસંગે પદાધિકારીઓ, અગ્રણીઓ, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણા, જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશભાઈ પરમાર, આત્મા પ્રોજેકટ ડાયરેક્ટર ભરતભાઈ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી.ગોહિલ, જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદકુમાર ઓઝા સહિતનાં અધિકારીઓ જોડાયા હતા.
ઉદ્ઘાટન બાદ તમામ મહાનુભાવોએ પ્રદર્શનના દરેક સ્ટોલની મુલાકાત લીધી હતી
ખેડૂતો દ્વારા પ્રદર્શિત કરાયેલી વિવિધ વસ્તુઓ વિશે તલસ્પર્શી જાણકારી મેળવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ મહોત્સવ તા. ૨૨ માર્ચના રોજ રાત્રે ૧૦:૦૦ કલાક સુધી નાગરિકો માટે ખુલ્લો રહેશે. આ મહોત્સવમાં રાગી, કાંગ અને કોદરી જેવા મિલેટ્સમાંથી બનેલી આધુનિક વાનગીઓ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. સામાન્ય રીતે લોકો માત્ર બાજરી કે જુવારના રોટલાથી જ પરિચિત હોય છે, પરંતુ અહીં મિલેટ્સના ઉપયોગથી બનેલી વિવિધ વાનગીઓ અને તેના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. શુદ્ધ અને ભેળસેળ વગરના આ ધાન્યના સેવનથી ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા રોગો સામે રક્ષણ મળી શકે છે.













