આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાને ધ્યાને રાખીને, નાગરિકોને હીટવેવની વિપરીત અસરોથી બચાવવા માટે કલેક્ટર કચેરી દ્વારા જનસેવા કેન્દ્રો અને આધાર કેન્દ્રોના કાર્યકાળના સમયમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે.

હિટવેવને પગલે નવો સમય નક્કી કરવામાં આવ્યો છે

જિલ્લાની કલેક્ટર કચેરી, તમામ તાલુકાના જનસેવા કેન્દ્રો, ઇ-ધરા કેન્દ્રો તેમજ બેંક અને પોસ્ટ ઓફિસમાં કાર્યરત તમામ આધાર કેન્દ્રોના સમયમાં ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ કેન્દ્રો સવારના ૧૦-૩૦ થી સાંજના ૬-૧૦ કલાક સુધી કાર્યરત રહેતા હતા, પરંતુ હવે હિટવેવને પગલે નવો સમય નક્કી કરવામાં આવ્યો છે. નવા નક્કી કરાયેલા સમય મુજબ, હવે આ કેન્દ્રો સવારે ૯-૦૦ થી બપોરે ૧-૦૦ કલાક સુધી અને ત્યારબાદ બપોર પછી ૪-૦૦ થી સાંજના ૬-૦૦ કલાક સુધી જનતા માટે ખુલ્લા રહેશે. બપોરે ૧-૦૦ થી ૪-૦૦ દરમિયાનના અસહ્ય તાપના સમયગાળામાં જાહેર જનતાની કામગીરી બંધ રહેશે, જેથી હીટવેવની સીધી અસરથી બચી શકાય.

અધિક કલેકટરે ગરમીને લઈ લીધો નિર્ણય

આ નવા સમયપત્રકની અમલવારી તા. ૧૩/૦૩/૨૦૨૬ થી શરૂ થઈને તા. ૩૧/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ સંબંધિત અધિકારીઓ, કર્મચારીઓ અને જાહેર જનતાને આ સમયગાળાની નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટર કે. આર. પટેલ દ્વારા જણાવાયું છે, જેથી અરજદારોને મુશ્કેલી ન પડે.


આ પણ વાંચો : Vadodara News : વડોદરાના શહેરીજનોને ગેસ સિલિન્ડર નથી મળતો ! કલેક્ટર કચેરીથી જાહેર કરાયો હેલ્પલાઇન નંબર 7874886987