ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ નિયામક આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ સુરેન્દ્રનગર દ્વારા વઢવાણ ખાતે આગામી ૧૬ અને ૧૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ‘આયુષ મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે.
અત્યંત સરળતાથી દાંત કે દાઢ કાઢી આપશે
આ મેળાનું મુખ્ય આકર્ષણ રાજકોટના પ્રખ્યાત ડો. જયસુખભાઈ મકવાણા રહેશે, જેઓ આયુર્વેદની પ્રાચીન 'જાલંધર બંધ' પદ્ધતિ દ્વારા કોઈ પણ પ્રકારના ઇન્જેક્શન કે દવા વગર, દર્દીને દુખાવો ન થાય તે રીતે અત્યંત સરળતાથી દાંત કે દાઢ કાઢી આપશે. આ વિશેષ સેવા માટે રસ ધરાવતા દર્દીઓએ અગાઉથી વિશાલભાઈ મોબાઈલ નં: ૯૬૦૧૬ ૨૯૮૯૩ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ ઉપરાંત, મેળામાં પાચનતંત્ર, શ્વસનતંત્ર, ચામડીના રોગો, સ્ત્રીરોગ, સાંધાના દુખાવા, ડાયાબિટીસ, બીપી, થાયરોઈડ અને સ્થૂળતા જેવા ગંભીર રોગોનું નિષ્ણાંતો દ્વારા નિદાન અને સ્થળ પર જ સારવાર આપવામાં આવશે.
આયુષ મેળામાં જનસામાન્યને આયુર્વેદિક જીવનશૈલીથી માહિતગાર કરવા માટે વિવિધ પ્રદર્શનો યોજાશે
જેમાં રસોડાના ઔષધો, આયુર્વેદ વાનગીઓ, વનસ્પતિ પ્રદર્શન અને હોમિયોપેથી ચાર્ટ પ્રદર્શનનો સમાવેશ થાય છે. જુના સાંધાના દુખાવા માટે પંચકર્મ અને અગ્નિ કર્મ ચિકિત્સાનું લાઈવ પ્રદર્શન કરવામાં આવશે. સાથોસાથ, બાળકો માટે સુવર્ણપ્રાસન અને વયસ્કો માટે ઉકાળા તેમજ શમશમનીવટીનું વિનામૂલ્યે વિતરણ કરાશે. શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલના સહયોગથી હિમોગ્લોબિન તપાસ, આંખોની તપાસ અને ચશ્માનું મફત વિતરણ પણ કરવામાં આવશે.
આ મેળાનો મહત્તમ લાભ લેવા માટે શહેરીજનોને અનુરોધ કરાયો
જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. પ્રીતેશ દવે અને સરકારી આયુર્વેદ હોસ્પિટલના પંચકર્મ નિષ્ણાંત ડો.ધરા જાધવના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં યોગ નિષ્ણાંતો દ્વારા ડાયાબિટીસ અને મેદસ્વિતા મુક્તિ માટે યોગ-પ્રાણાયામનું માર્ગદર્શન પણ અપાશે. આયુર્વેદ ગેમ ઝોન અને સૌંદર્ય ચિકિત્સા જેવી આધુનિક સુવિધાઓ સાથેના આ મેળાનો મહત્તમ લાભ લેવા માટે સુરેન્દ્રનગર જિલ્લા અને શહેરની જનતાને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
