સુરેન્દ્રનગરના લીંબડી નેશનલ હાઈવે પર આવેલી મોડેલ સ્કૂલ નજીકથી પસાર થતી વલ્લભીપુર બ્રાંચ કેનાલમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઉનાળાની શરૂઆતે ગરમીથી રાહત મેળવવા કેનાલમાં ન્હાવા પડેલા પાંચ કિશોરો પૈકી બે બાળકો ઉંડા પાણીમાં તણાયા હતા. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કલાકોની શોધખોળ બાદ એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે હજુ પણ એક બાળકની ભાળ મળી નથી.
પાંચ મિત્રો ન્હાવા ગયા હતા
ઘટનાની મળતી માહિતી અનુસાર, કુલ પાંચ મિત્રો કેનાલમાં ન્હાવા માટે આવ્યા હતા. ન્હાતા સમયે ઉંડાણનો અંદાજ ન આવતા બે બાળકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બાકીના ત્રણ મિત્રો સુરક્ષિત રીતે બહાર નીકળી ઘરે પહોંચી ગયા હતા. ઘરે પહોંચેલા બાળકોએ હકીકત જણાવતા પરિવારજનો અને ગ્રામજનોમાં ફાળ પડી હતી અને તુરંત કેનાલ કાંઠે દોડી આવ્યા હતા.













