આ પ્રસંગે મંત્રીએ ધ્રાંગધ્રા શહેર માટે કરોડો રૂપિયાના વિકાસકામોની ભેટ આપી જનસુખાકારીમાં વધારો કર્યો હતો. લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, મહારાજા રણમલસિંહજીએ જનકલ્યાણના ઉમદા હેતુથી નિર્મિત આ ઐતિહાસિક તળાવનું નગરપાલિકા દ્વારા જે સુંદર નવીનીકરણ કરાયું છે, તે પ્રશંસનીય છે.

રાજ્યની 'બેસ્ટ નગરપાલિકા' બનાવવાની દિશામાં અગ્રેસર કરે છે

હવે 'જોગાસર તળાવ' નગરજનો માટે આસ્થા અને મનોરંજનનું સંગમસ્થાન બનશે, જ્યાં લોકો ગણપતિ દાદાના દર્શન સાથે શાંતિ અને આનંદની પળો માણી શકશે. વધુમાં તેમણે કેનાલ પર નવો રોડ અને ગ્રીનરી સાથેના વોકવેના આયોજનની પણ મહત્વની વિગતો આપી હતી. ધ્રાંગધ્રાની પાયાની સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કરતા મંત્રીએ જાહેરાત કરી હતી કે, ધ્રાંગધ્રા નગરપાલિકા હવે 'બ' વર્ગમાંથી 'અ' વર્ગમાં ઉન્નત થઈ છે, જેના પરિણામે આગામી સમયમાં વિકાસ કામો માટે વધુ ગ્રાન્ટ પ્રાપ્ત થશે. તેમણે નોંધ્યું હતું કે અન્ય વિસ્તારોમાં પાણીની તંગી વચ્ચે પણ અહીંનો નિયમિત પાણી પુરવઠો અને મજબૂત આરસીસી રસ્તાઓનું નેટવર્ક શહેરને રાજ્યની 'બેસ્ટ નગરપાલિકા' બનાવવાની દિશામાં અગ્રેસર કરે છે.

સુંદર વાતાવરણનો લાભ લઈ સ્વાસ્થ્ય સુધારવા તેમણે અનુરોધ કર્યો નાગરિકોને

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર નવા પ્રોજેક્ટ્સ માટે આર્થિક સહાય પૂરી પાડવા તત્પર હોવાનું જણાવતા મંત્રીશ્રીએ ખાતરી આપી હતી કે ધ્રાંગધ્રાના વિકાસની તમામ રજૂઆતોને યોગ્ય મંજૂરી અપાવવા તેઓ પૂરતા પ્રયત્નો કરશે. અંતમાં તેમણે નગરજનોને નૈતિક અપીલ કરતા કહ્યું હતું કે, કરોડોના ખર્ચે નિર્મિત આ જાહેર મિલકતોની જાળવણી કરવી એ સૌની ફરજ છે. ખાસ કરીને મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને આ સુંદર વાતાવરણનો લાભ લઈ સ્વાસ્થ્ય સુધારવા તેમણે અનુરોધ કર્યો હતો.

મધ્યપ્રદેશના પ્લાસ્ટિક મુક્ત ગામનું ઉદાહરણ આપ્યું નાગરિકોને

આ તકે સાંસદ ચંદુભાઈ શિહોરાએ જોગાસર તળાવના ભવ્ય સ્વરૂપની પ્રશંસા કરતા કહ્યું હતું કે, નગરપાલિકાના શાસકોની મહેનતને પરિણામે અહીં બેસીને કોઈ ‘સ્વર્ગાપુરી’માં બેઠા હોય તેવો દિવ્ય અહેસાસ થાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રભારી મંત્રીશ્રીના પ્રયત્નોથી ધ્રાંગધ્રાના અન્ય ઐતિહાસિક માનસરોવર તળાવના નવીનીકરણ માટે પણ રૂ. ૪૨ કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. તેમણે નગરજનોને કરોડોના ખર્ચે બનેલી આ જાહેર મિલકતોને પોતાની સમજીને તેની જાળવણી કરવા અને સ્વચ્છતા જાળવવા નૈતિક અપીલ કરી હતી. ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ આગામી વિકાસ કાર્યોની વિગતો આપતા કહ્યું કે, જોગાસર તળાવથી જડેશ્વર મંદિર સુધીના ખુલ્લા નાળાને બંધ કરી ત્યાં ૨ કિમી લાંબો વોકવે અને વૃક્ષારોપણ સાથેનો સુંદર રસ્તો બનાવવાનું આયોજન છે. તેમણે મધ્યપ્રદેશના પ્લાસ્ટિક મુક્ત ગામનું ઉદાહરણ આપી નાગરિકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો.

માળખાગત સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે

આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે અમૃત ૨.૦ યોજના અંતર્ગત અંદાજે રૂ. ૪.૦૦ કરોડના ખર્ચે નવનિર્મિત જોગાસર તળાવ અને ગાર્ડન ડેવલપમેન્ટના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવતર પ્રકલ્પથી શહેરના હાર્દ સમાન જોગાસર તળાવ હવે પ્રવાસન અને પર્યાવરણની દ્રષ્ટિએ આકર્ષણનું કેન્દ્ર બનશે, જેનો સીધો લાભ સ્થાનિક નાગરિકોને મળશે. લોકાર્પણની સાથે-સાથે મંત્રીએ ધ્રાંગધ્રા શહેરની પાયાની સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે ખાતમુહૂર્ત પણ કર્યા હતા. સ્વચ્છ ભારત મિશન અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજે રૂ. ૬.૩૫ કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામો પૂર્ણ થતાં શહેરની સ્વચ્છતા અને માળખાગત સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે.

વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

આ લોકાર્પણ ખાતમુહૂર્ત પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ. કે. જાડેજા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરતાં કહ્યું હતું કે, અંદાજે ૨૦૦ વર્ષ જૂના આ ઐતિહાસિક તળાવનો જીર્ણોદ્ધાર શહેરની સુંદરતામાં ‘મોરપીચ્છ’ સમાન છે. તેમણે પ્રાચીન સ્થાપત્ય અને વજીર જાડેજા વખતસિંહજીની કુશળતાનો ઉલ્લેખ કરી ભવ્ય વારસાની યાદ અપાવી હતી. આ ગરિમામય કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, કારોબારી ચેરમેન પૂજાબેન જાદવ, ચીફ ઓફિસર મંટીલકુમાર પટેલ સહિતનાં સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ નગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેનો, અને વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : GUJSITOK Actમાંથી આતંકવાદ શબ્દ હટાવાશે, સરકાર ગુંડા એક્ટમાં સુધારા વિધેયક લાવશે, જુઓ Video