સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર મોડી રાત્રે એક અકસ્માતની ઘટના સામે આવી છે. એક બેકાબૂ કાર અને બે મોટરસાયકલ વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


કાર ચાલકે બે બાઈકને લીધી અડફેટે

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાત્રે સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પરથી પસાર થઈ રહેલા કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અથવા પુરઝડપે કાર હંકારી બે અલગ-અલગ બાઈકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક સવાર એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પર સવાર અન્ય ત્રણ મુસાફરો લોહીલુહાણ હાલતમાં માર્ગ પર પટકાયા હતા.

અકસ્માતની જાણ થતા રાહદારીઓ મદદે દોડી આવ્યા

અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો અને રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ત્રણેય ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કાર ચાલકની બેદરકારીને કારણે આ હોનારત સર્જાઈ હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો: Bhavnagar: નવાપરામાં વહેલી સવારે જૂની અદાવતમાં બે રાઉન્ડ ફાયરિંગ, નીલમબાગ પોલીસે તપાસ તેજ કરી


  • Follow us on: